બનાસકાંઠા: ડીસામાં જળસંચય અભિયાનમાં ખેડૂતોને રાહત
પાલનપુર: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા જળ સંચય અભિયાન અંતર્ગત ધારાસભ્ય પ્રવિણ માળીની રજૂઆતને પગલે સરકારે બનાસકાંઠા સહિત 10 જિલ્લાઓમાં ખેત તલાવડી માટે પ્લાસ્ટિક ફ્રી આપવાનુ આયોજન થયું છે જેનાથી ડીસા સહિત ગુજરાતના હજારો ખેડૂતોને સીધો લાભ થશે.
સરકારે ખેત તલાવડી બનાવવા પ્લાસ્ટિક આપવાની કરી જાહેરાત
ડીસા તેમજ આજુબાજુના પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી અનિયમિત વરસાદને કારણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેની સીધી અસર ખેતી અને પશુપાલનના વ્યવસાયની સાથે સાથે લોકોના જનજીવન પર પણ પડી રહી છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સહિત અનેક જાગૃત ખેડૂતોએ આ સ્થિતિમાંથી ઉગારવા માટે જળસંચય અભિયાનની શરૂઆત કરી હતી. જે અંતર્ગત અત્યાર સુધી અનેક ખેડૂતોએ તેમના ખેત તલાવડીઓ બનાવીને તેમાં ચોમાસામાં વહી જતા એક એક ટીપાના પાણીનો સંગ્રહ કરી તે પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી પાણીનો વ્યય થતો અટકે છે અને સિંચાઈ માટે ખેડૂતોને બારેમાસ પૂરતું પાણી મળી રહે છે.
ધારાસભ્ય પ્રવિણ માળીની રજુઆતથી હજારો ખેડૂતોને ફાયદો
સામાન્ય રીતે ખેત તલાવડી બનાવવાનો ખર્ચ ખૂબ જ વધારે થાય છે, ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆતને પગલે સરકાર દ્વારા બનાસકાંઠા સહિત 10 જિલ્લાઓમાં ખેડૂતો વધુમાં વધુ ખેત તલાવડી બનાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક વિનામૂલ્ય આપવાનું આયોજન થયું છે.
એક ખેત તલાવડીના પાણીથી 10 વિઘા જમીનમાં બારેમાસ ખેતી થાય
તેમાં સરકાર દ્વારા ખેડૂતને 120 ફૂટ લાંબી, 120 ફૂટ પહોળી અને 22 મીટર ઊંડી ખેત તલાવડી બની શકે તે માટે 500 જીએસએમ પ્લાસ્ટિક આપવામાં આવશે. અને આ ખેત તલાવડીમાં સંગ્રહ થયેલા પાણીથી ખેડૂતો શિયાળામાં 12 થી 15 વીઘા જમીનમાં ,ઉનાળામાં આઠથી દસ વીઘા જમીનમાં આરામથી ખેતી કરી શકે છે. આ અભિયાન અંતર્ગત ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના હજારો ખેડૂતોને મોટો લાભ થશે અને ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બની જશે.
આ અંગે સ્થાનિક ખેડૂત અગ્રણી અણદાભાઈ જાટે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વખત તેમણે તેમના ખેતરમાં સ્વખર્ચે ખેત તલાવડી બનાવી હતી જેનાથી દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ તેમની ખેત તલાવડી ભરાઈ જાય છે અને આખું વર્ષ એ ખેત તલાવડીના પાણીથી ખેતીની સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે છે હવે સરકારે જ્યારે ખેત તલાવડીઓ બનાવવા માટે પ્લાસ્ટિક આપવાની જાહેરાત કરી છે તેનાથી અનેક ખેડૂતોને ખેત તલાવડી બનાવવામાં મોટી રાહત થશે.
આ પણ વાંચો :Botad : ધરપકડના એક માસ બાદ યુવકનું મોત, પરિવારે પોલીસ પર લગાવ્યા આરોપ