બનાસકાંઠા : સુઇગામના બોરુ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ
- કલેકટર વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું
- રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોગ શો, હોર્સ શો એ લોકોને મંત્રમુગ્ધ કર્યા
પાલનપુર 24 જાન્યુઆરી : બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 મી જાન્યુઆરી ને પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના બોરું ખાતે યોજાનાર છે. જે અંતર્ગત 24 મી જાન્યુઆરીના રોજ કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઇગામ તાલુકાના બોરું ખાતે 75 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગરબો, લેઝીમ ડાન્સ, પ્રાચીન ગરબો, ઝાંસી ની રાણી કલાકૃતિ, તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો ડોગ શોમાં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલા દિલધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કચ્છ : પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ધારાસભ્યોએ રજુ કર્યા પોતાના પ્રશ્નો