બનાસકાંઠા: ટામેટામાં લાલચોળ તેજી, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


પાલનપુર: છેલ્લા કેટલાક દિવસથી ટામેટાના ભાવ પેટ્રોલ કરતા પણ વધી ગયા છે. અને તેના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ત્યારે અગાઉ 30 રૂપિયા ના એક કિલો ના ભાવે મળતા ટામેટા આજે રૂપિયા 180 થી માંડી ને રૂ.200 ને આંબી ગયા છે.જેથી હોટલની થાળીમાંથી ટામેટાં જ ગાયબ થઈ ગયા છે. અને ગૃહિણીઓનું રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ત્યારે હવે કૉંગ્રેસની મહિલા કાર્યકરો મેદાને પડી છે.
પાલનપુરમાં કોંગ્રેસની મહિલાઓ મોંઘવારીના મુદ્દે આવી મેદાનમાં
જેમાં પાલનપુરમાં કોંગ્રેસમાં જોડાયેલી કેટલીક મહિલાઓએ સીમલાગેટ શાકમાર્કેટ સહિત બજારમાં વિવિધ જગ્યાએ શાકભાજી ખરીદતી મહિલાઓની મુલાકાત લીધી હતી. અને મોંઘવારીને લઈને સરકાર સામે રોષવ્યક્ત કર્યો હતો. જ્યારે વિવિધ કઠોળ, દાળો સહિત શાકભાજીઓના ભાવ આસમાને જતા આમ જનતાને હવે ઘર ચલાવવું મુશ્કેલી રૂપ બન્યું છે. આ મુદ્દે કોંગ્રેસની મહિલા આગેવાનોએ સરકાર વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો.
હોટલની થાળીમાંથી ટામેટા ગાયબ
હાલ છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાં સહિત અનેક શાકભાજીઓના ભાવ આસમાને જતા પાલનપુરના પાલિકાના નગર સેવિકા અને વિપક્ષી અગ્રણી આશાબેન રાવલ તેમજ લક્ષ્મીબેન કરણ સહિત એક મહિલાઓનું જૂથ મોંઘવારીના મુદ્દે બજારમાં નીકળ્યું હતું. આગેવાનોના કહેવા મુજબ હાલમાં મોંઘવારી માઝા મૂકી છે, આ મામલે પ્રજા જાગૃત થાય તે માટે સીમલા ગેટ શાકમાર્કેટ શાક ની લારીઓ ઉપર ખરીદી કરવા આવતી મહિલાઓને કોંગ્રેસની અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારને તમે વોટ આપ્યા છે તેમ છતાં વિવિધ દાળો, સૂકું મરચું, ટામેટાં તેમજ અન્ય શાકના ભાવ આસમાને ચડ્યા છે. બીજી તરફ શિક્ષણ મોંઘુ છે. સાંજે પરિવારને ચટણી અને રોટલો ખવડાવો પણ અત્યારે મોંઘું પડી રહ્યું છે. તેમ કહીને આ કોંગ્રેસના મહિલા આગેવાનોએ ભાજપ સરકાર વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા: દાંતીવાડા ડેમની સપાટી 590 ફૂટ પહોંચી