બનાસકાંઠા : ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડતા માવજી- લેબજી પક્ષમાંથી સસ્પેન્ડ
પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ટિકિટ માંગનારાને ટિકિટના મળતા નારાજ થયેલા કેટલાય નેતાઓએ પક્ષ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર શક્તિ પ્રદર્શન કરીને ડીસા માર્કેયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ડીસા બેઠક ઉપર પણ બળવો થયો હતો. આ બેઠક પરથી લેબજી ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આમ ભાજપ પક્ષમાં રહીને બળવો કરી ભાજપ પક્ષના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા આ બંને બળવાખોર આગેવાનોની ભાજપ પક્ષ દ્વારા હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે.
ધાનેરા થી માવજીભાઈ દેસાઈ, ડીસા થી લેબજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડે છે
ભાજપ પક્ષ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા રાજ્યના આવા બાર બળવાખોર સામે કાર્યવાહી કરી હતી. ભાજપ પક્ષ અનુશાસનમાં રહેવા વાળો પક્ષ છે અને કોઈપણ આગેવાન કે નેતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ પક્ષ દ્વારા સખત પગલાં ભરવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સુચના સાથે સંદેશો આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લેબજી ઠાકોરને 2014માં ડીસા બેઠક ઉપર અને માવજી દેસાઈને 2017માં ધાનેરા બેઠક ઉપર ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. આ બંને ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
આ પણ વાંચો : FIFA WC 2022: આજે જર્મની અને સ્પેન સહિત 8 ટીમોની ટક્કર