બનાસકાંઠા: ડીસા પથંકમાં રાત્રે પવનની જોરદાર આંધી સાથે વરસાદ ખાબક્યો, વાવાઝોડામાં દુકાનના પડદા અને ખુરશીઓ ઉડવા લાગ્યા
પાલનપુર: ડીસામાં મોડી રાત્રે ફરી એકવાર વાવાઝોડા અને વરસાદ ખાબક્યો હતો. ભારે સ્પીડથી આવેલા પવન સાથેની આંધીમાં ધૂળની ડુમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે દુકાનના પડદા અને ખુરશીઓ પણ વાવાઝોડામાં ઉડતી જોવા મળી હતી.
ડીસામાં ગઈકાલે રાત્રે દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે વાવાઝોડું શરૂ થઈ ગયુ હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા ટુવહીલર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે વાવાઝોડામાં દુકાનના પડદા અને ખુરશીઓ પણ રોડ પર ઉડવા લાગી હતી. વારંવાર આંધી આવવાના કારણે ઘરોમાં ડસ્ટ ઘૂસી જતા મહિલાઓ પણ કંટાળી ગઈ હતી.
જ્યારે ડીસા તાલુકાના કાંટ, રસાણા સહિતના ગામડાઓમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સતત અડધા કલાક સુધી ધોધમાર વરસાદ ખબકતા જળબમબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી ખેડૂતોને પણ નુકસાન વેઠવું પડ્યું છે. ડીસા પંથકમાં છેલ્લા 15 દિવસથી અવારનવાર વાવાઝોડું અને વરસાદ થતાં લોકોના જનજીવન પર અસર થઈ છે અને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને વધારે નુકસાન સહન કરવું પડ્યું છે.
આ પણ વાંચો :ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર? અમદાવાદમાં પકડાયો લાખોનો દારૂ