બનાસકાંઠાઃ અખાદ્ય પદાર્થોમાંથી પનીર બનાવતી આલિયા મિલ્ક પ્રોડક્ટ પર દરોડો
- બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
- છાપી સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લુઝ,પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ
- કુલ ૧,૯૪,૪૧૮ રૂપિયાનો ૯૧૫ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ
પાલનપુર, 11 ડિસેમ્બર, 2024: બનાસકાંઠામાં અખાદ્ય પદાર્થોમાંથી પનીર બનાવતી આલિયા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી ઉપર દરોડ પાડીને આરોગ્ય માટે નુકસાનકારક પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્રે આ ઉપરાંત નકલી પનીર બનાવવાની સામગ્રી પણ જપ્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલી સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક અખાદ્ય અને પરવાના વગરના પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું.
જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લુઝનો ૬૯૪ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂ. ૧,૬૬,૫૬૦ છે. આ સિવાય રૂ. ૧૫,૪૦૩નો ૧૦૩ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા રૂ. ૧૨,૪૦૮નો ૧૧૮ કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ રૂ. ૧,૯૪,૪૧૮નો ૯૧૫ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો.
આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેટ એસિટીક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. પેઢીના માલિક કરોડીયા ઉમરફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃ કોઈ સલીમ સુરેશ બનીને ભોળીભાળી દીકરીઓને છેતરશે એ નહીં ચાલેઃ હર્ષ સંઘવી
આ પણ વાંચોઃ નકલી દૂધ બનાવવાનો ડેમો! વ્યક્તિએ 1 લિટર કેમિકલથી 500 લિટર ભેળસેળવાળું દૂધ બનાવ્યું, જૂઓ વીડિયો