બનાસકાંઠા : રબારી સમાજે કુરીવાજોને તિલાંજલિ આપી, શિક્ષણ તરફ આગળ વધવા હાકલ


- નકળંગ ધામ વાગદોડ ખાતે રબારી સમાજ નો 15 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
- 11 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા
પાલનપુર : રબારી સમાજે કુરીવાજોને તિલાંજલિ આપી અન્ય સમાજોની જેમ શિક્ષણ ની હરીફાઈ માં સહપરિવાર જોડાય તે માટે રવિવારે નકળંગ ધામ ખાતે યોજાયેલા રબારી સમાજ ના સમૂહ લગ્નોત્સવ માં દાનવીર રત્ન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ હાકલ કરી હતી.
શ્રી રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા નકળંગ ધામ વાગદોડ ખાતે રબારી સમાજ નો 15 મો સમૂહ લગ્નોત્સવ રવિવારે રબારી સમાજ ના આગેવાન, દાનવીર રત્ન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ તેમજ સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો, રબારી સમાજ ના આગેવાનો અને સમૂહ લગ્ન માં ઉદાર હાથે દાન આપનાર દાતાઓની વિશેષ ઉપસ્થિતિમાં રબારી સમાજ ની 11 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માડી શુભ સંસાર ની શરૂઆત કરી હતી. સમાજના દાતાઓ દ્વારા સમૂહ લગ્ન માં જોડાનાર દિકરીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, રબારી સમાજ માં આજે પણ કુરીવાજ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જેને સદંતર બંધ કરીને દિકરા દિકરીઓના અભ્યાસ માં વધુ રસ રાખવો જરૂરી છે. સમૂહ લગ્ન થકી એક જ માંડવા નીચે લગ્ન થાય તેમાં દિકરીઓના મા-બાપે પણ પહેલ કરી સમાજને ખોટા ખર્ચાથી બચાવવો જોઈએ. જેથી રબારી સમાજ એ કુરીવાજોને તિલાંજલિ આપી શિક્ષણ તરફ વધુ જોડાય તે માટે દરેક પરીવાર એ આગળ આવવું પડશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુર, ડીસા સહિત જિલ્લાના અનેક સ્થળોએ ‘મન કી બાત’ નો 100 મો એપીસોડ હજારો લોકોએ નિહાળ્યો