બનાસકાંઠા : જિલ્લાના છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ, અત્યાર સુધી 212166 બોરી રાયડાની આવક
પાલનપુર : સરકાર દ્વારા ખેડૂતોને રાયડાના પાકમાં પોષણક્ષમ ભાવ આપવા માટે ગુજકોમાસેલ દ્વારા તાલુકા સંધો મારફતે ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. બનાસકાઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, કાંકરેજ, થરાદ, ડીસા અને ભાભર મળી છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે 212166 બોરી રાયડાની આવક નોંધાઇ છે. ધાનેરા કેન્દ્ર પર સૌથી વધુ 91818 બોરી અને સૌથી ઓછી ભાભરમાં 6391 બોરી રાયડાની આવક નોંધાઇ છે.
સરકાર દ્વારા ખેડૂતોને રાયડામાં ઊંચો ભાવ આપવા પ્રતિ 50 કિલો રાયડામાં ટેકાનો ભાવ 1090 જાહેર કરવામાં આવ્યા છે. ગુજકોમાસેલ દ્વારા છ કેન્દ્રો પર તાલુકા સંઘો મારફતે ટેકાના ભાવે રાયડા ની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ટેકાના ભાવે રાઇડાની ખરીદી માટે પાલનપુર કેન્દ્ર પર પાલનપુર, વડગામ, દાંતીવાડા, અમીરગઢ અને દાંતા તાલુકાનો સમાવેશ કરાયો છે.
જ્યારે કાંકરેજ કેન્દ્ર પર કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરાયો છે. ભાભર કેન્દ્ર પર ભાભર અને સુઈગામ તાલુકાનો સમાવેશ કરાયો છે જ્યારે ડીસા, થરાદ અને ધાનેરા ને અલગ કેન્દ્ર ફાળવાયા છે. જોકે ટેકાનાં ભાવે રાયડાની ખરીદીમાં ધાનેરા કેન્દ્ર 91819 બોરીની ખરીદી સાથે જિલ્લામાં અવ્વલ નંબરે રહ્યો છે. જ્યારે 6391 બોરીની આવક સાથે ભાભર કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યો છે. જોકે જિલ્લામાં અત્યાર સુધી છ કેન્દ્ર પર 212166 બોરી રાયડાની આવક થઈ ચૂકી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: માલોત્રામાં તળાવ ખોદવામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇ માપણી