બનાસકાંઠા : રખડતા ઢોરોથી બચવા લોક જાગૃતિ લાવવી પડશે : DSP
- ડીસામાં જિલ્લા પોલીસ વડા નો લોક દરબાર કાર્યક્રમ યોજાયો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોના ત્રાસના કારણે વધતા જતા અકસ્માતોના બનાવો રોકવા લોકજાગૃતિ લાવવી પડશે તેમજ લોકોએ જાહેરમાં ઘાસ નાખવાનું બંધ કરી જાતે જાગૃતિ કેળવવી પડશે, તેમ ડીસા ખાતે યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
ડીસા ઉત્તર પોલીસ મથકે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ,શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશભાઈ પટેલ,હકમાજી જોશી, પાલિકા સદસ્યો રાજુભાઈ ઠાકોર, દેવુભાઈ માળી,રવિ ઠક્કર સહિત જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા .
લોકદરબારમાં મુખ્યત્વે ટ્રાફિક અને રખડતા ઢોરોના ત્રાસનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે રખડતા ઢોરોને લોકો જાહેરમાં ઘાસ નાખવાનું બંધ કરે તો મોટાભાગની સમસ્યા ઉકેલાઈ જશે. આ માટે લોકોએ જાતે જાગૃત થવાની જરૂર છે. આ ઉપરાંત તેઓએ ટ્રાફિક નિવારણ અંગે પણ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત જુનાડીસા રેલ્વે ફાટક પાસે ફાટક બંધ થાય ત્યારે બંને બાજુ વાહનો રોંગ સાઈડે સામસામે આવી જતા ફાટક ખુલે તો પણ ટ્રાફિક જામ થઈ જતો હોવાથી આ જગ્યા પર પોલીસ પોઇન્ટ મૂકવા રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં ઇકો ગાડીમાં બેઠેલા મુસાફરોને લૂંટનારા સુરતના બે શખ્સો જબ્બે, રૂ. 25 હજાર અને ગાડી જપ્ત