બનાસકાંઠા : પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર સામે ડીસામાં કાર્યવાહી
- શહેર દક્ષિણ પોલીસે દોરી વેચનાર સામે કાર્યવાહી કરી
પાલનપુર : ડીસામાંથી ચાઈનીઝ દોરીનો ફીરકાઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે પ્રતિબંધિત એવી ચાઈનીઝ દોરીના 11 ફીરકાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલી હોવાથી અને નોનબાયોડિગ્રેડેબલ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે ગવાડીના ગંજીપુરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનો જથ્થો હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ગવાડી ગંજીપુરા વિસ્તારમાં રહેતા દિલાવરહુસેન કુરેશીના ઘરે તપાસ કરતા ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ચાઈનીઝ દોરીના 11 ફીરકાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દિલાવરહુસેન સામે ડીસા શહેર દક્ષિણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : અરવલ્લી : સ્વચ્છતાના નારાઓથી ગુંજી ઉઠ્યું મોડાસા બસ સ્ટેશન