ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બનાસ ડેરીએ સ્વીટક્રાંતિમાં કરેલા કામને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

  • નવોત્થાનમાં બનાસ ડેરી હંમેશા મોખરે રહી છે : વડાપ્રધાન

પાલનપુર : એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરી બનાસ ડેરીએ વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. શ્વેતક્રાંતિની જેમ ખેડૂતો સ્વીટક્રાંતિ તરફ પણ કામ કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ બાદ બનાસ ડેરીએ સ્વીટક્રાંતિ માટે કામ શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પથ પર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં મધનું કામ શરૂ કરાવ્યું. આજે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી સાથે 600 થી વધુ ખેડૂતોએ ખેતી અને દૂધના વ્યવસાય સાથે મધુમાખી પાલનનું કામ તાલીમ મેળવી શરૂ કર્યું છે. જેના કારણે ખેડૂતો દૂધની જેમ મધ ઉત્પાદન કરી આવક મેળવતાં થયા છે.બનાસ ડેરીએ તાજેતરમાં જ એક કરોડના ખર્ચે બાદરપુરા બનાસ સંકુલ ખાતે મધ ટેસ્ટીંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. જે મધ ટેસ્ટિંગ લેબની શરૂઆતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિરદાવી છે. ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસ ડેરીના કામને બિરદાવતા કહ્યું છે કે, બનાસ ડેરી નવોત્થાનમાં હંમેશા અગ્રેસર રહી છે. સ્વીટક્રાંતિમાં ભારતને મજબૂત બનાવવાની દિશામાં બનાસ ડેરીનું આ પગલું મહત્વપૂર્ણ છે. જેને જોઈને ખૂબ આનંદ થયો. હની લેબ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગલબાભાઈ પટેલની 100મી જયંતિ પ્રસંગે ડીસા આવ્યા હતા. જે કાર્યક્રમમાં બનાસ ડેરીને શ્વેતક્રાંતિની જેમ સ્વીટક્રાંતિ માટે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે કામ બનાસ ડેરી અને બનાસના ખેડૂતોએ ઉપાડી આજે મધમાખી પાલનમાં ઉત્તમ કામ શરૂ કર્યું છે. વડાપ્રધાનશ્રી હંમેશા નવી પ્રેરણા અને નવું કામ કરવાની શક્તિ આપે છે. આજે બનાસ ડેરીના મધ ઉત્પાદનમાં કરેલા કામને તેમણે ટ્વિટરના માધ્યમથી બિરદાવ્યું છે. તેમનું આ પ્રોત્સાહન બનાસ ડેરી તેમજ મધના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો માટે નવી શક્તિના સંચાર સ્વરૂપ છે. હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો બનાસ પરિવાર વતી આભાર માનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટરના માધ્યમથી બનાસ ડેરીની સ્વીટક્રાંતિને બિરદાવતા બનાસ ડેરીમાં મધમાખી પાલન સાથે જોડાયેલા ખેડૂતો તેમજ અધિકારી-કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : કિડની ન મળતા નાની ઉંમરે સ્વજન ગુમાવવું પડતા પાલનપુરમાં ભાઇ-ભાભીએ લગ્ન તિથીના દિવસે અંગદાન સંકલ્પ પત્ર ભર્યુ

Back to top button