ગુજરાતટોપ ન્યૂઝધર્મ

બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 6 જાન્યુઆરીએ જગતજનની માં અંબાનો પ્રાગટયોત્સવ ધુમધામ થી મનાવવામાં આવનાર છે. આ દિવસે અંબાજીના માર્ગો પર માતાજીની ભવ્ય શોભા યાત્રા નીકળશે. ધાર્મિક ઉત્સવ સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા તેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વખતે કોરોનાના બે વર્ષ બાદ માતાજીની સવારી અંબાજી શહેરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે. 29 મા વર્ષે નીકળનારી આ શોભાયાત્રા દરમિયાન માઇ ભક્તો આશીર્વાદ અને દર્શન કરી ધન્યતા અનુભવશે.સૂત્રોના જણાવ્યા મુજબ મા અંબાના પ્રાગટયોત્સવ માં માતાજીનું મૂળ સ્થાન એવા અંબાજી ગબ્બર પર્વતથી અખંડ જ્યોત નિજ મંદિરમાં મુખ્ય શક્તિદ્વાર ખાતે લાવવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે.

અંબાજીમાં ત્રણ કિલોમીટર રૂટ ઉપર નીકળશે માતાજીની સવારી

અંબાજી-humdekhengenews

જે ત્રણ કિલોમીટરના માર્ગ ઉપર ફરશે. શોભાયાત્રા દરમિયાન રૂટમાં 2100 કિલો સુખડીનો પ્રસાદ માઈ ભક્તોને અને દર્શનાર્થીઓને વિતરણ કરાશે. જ્યારે શોભાયાત્રામાં માતાજીની સવારી સાથે હાથીની અંબાડી, હાથી, ઘોડા સહિત અલગ અલગ 30 થી વધુ ઝાંખીઓ પ્રદર્શિત કરાશે. તેમજ વેશભૂષા અને વિવિધ કરતબો સાથે નૃત્ય કરતા કરતા લોકો આ શોભાયાત્રામાં જોડાશે. જે શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો બની રહેશે.

એક દીપ મા કે નામ

અંબાજી-humdekhengenews

ધામધૂમથી ઉજવાનારા માં અંબા ના પ્રાગટ્યોત્સવ પ્રસંગે અંબાજી નિવાસીઓ પોતાના ઘરે ઘરે અને વ્યાપારી પ્રતિષ્ઠાનોમાં સાંજના સમયે એક દીપ પ્રગટાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે શોભાયાત્રામાં જોડાતા હજારો માઇ ભક્તોની સેવામાં માર્ગો ઉપર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રાગટયોત્સવ ખરેખર અંબાજીમાં એક અલૌકિક માહોલ ખડો કરે છે. ત્યારે માર્ગોને સુશોભિત કરીને માતાજીની સવારીને આવકારવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :પોલીસ બાદ સરકાર એક્શન મોડમાં, શેત્રુંજય મામલે SIT નું ગઠન થાય તેવી શક્યતા

Back to top button