બનાસકાંઠા: પોષી પૂનમે અંબાજીમાં આદ્યશક્તિના અવતરણની આસ્થાભેર ઉજવણી કરાશે
- પોષી પૂનમે અંબાજીમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટશે
- અંબાજી ખાતે મહાશક્તિ યજ્ઞ, જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- માઇભક્તો માટે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા
પાલનપુર, 24 જાન્યુઆરી: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તારીખ 25 જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમ છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા ૨૫ જાન્યુઆરી ને ગુરુવારના રોજ પોષી પુનમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞમાં કરવામાં આવશે જેમાં ૫૧ થી વધારે યજમાનોની નોધણી થયેલ છે.
માં અંબાની આવતી કાલે સવારે 10:30એ શોભાયાત્રા
આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા જ્યોત યાત્રા યોજી ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે. જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦.૩૦કલાકેથી શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરશે. જેમાં ૩૦ કરતાં વધુ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નગર યાત્રા કરશે.
આ શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ અને ચાચરચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ તેમજ શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવશે. આ નિમિત્તે ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ રાત્રિના 8 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પોષી પૂનમથી જય અંબે મંત્ર લેખન પુસ્તિકા મંદિરના ધાર્મિક સાહિત્ય વેચાણ કેન્દ્ર પરથી ઉપલબ્ધ કરવામાં આવશે. અંબાજી મંદિરના ચાચરચોકથી પ્રાગટ્ય ઉત્સવ નિમિતેના મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટનું youtube ચેનલ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. આમ માં અંબાના પ્રાગટય દિવસ પોષી પૂનમની ભારે હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: ટૂંક સમયમાં અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે