બનાસકાંઠા: ડીસામાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ, નિયમોનું ઉલ્લંધન કરનારા સામે કરાઈ કાર્યવાહી
પાલનપુર: ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા અનેકવાર વિવિધ કાર્યક્રમો થકી સૂચનાઓ સાથે વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં છે. છતાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંધન કરતા હોય છે. ત્યારે ડીસા ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા સહિત ઉતર અને દક્ષિણ શહેર પોલીસ દ્વારા સાંઈબાબા મંદિર પાસે ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી.
જેમાં કાચ પર કાળી ફિલ્મ લગાવીને ફરતાં ફોર વ્હીલર ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી સાથે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. ચાલુ બાઈક પર મોબાઇલ રાખીને વાતચીત કરતાં, બાઈક પર બેથી વધુ લોકોને બેસાડતા લોકો તેમજ ઈકો ગાડી અને રીક્ષામાં વધુ પેસેન્જર ભરતા ચાલકો સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરી અને કડક સૂચનો આપવામાં આવ્યા હતાં.
વાહન ચેકિંગ દરમિયાન ગુજરાત સરકારના નવા સોફ્ટવેરનો ઉપયોગ કરી શંકાસ્પદ લોકોના ફોટા પાડીને કોઈ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે. કે કેમ તેમજ સામે કોઈ ગુન્હો નોંધાયો હોય તો તેની પણ જાણકારી મેળવામાં આવી હતી. આ સોફ્ટવેરની મદદથી નાસતા ફરતા આરોપીઓને સહેલાઈથી ઝડપી શકાય છે. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત પોલીસ દ્વારા કડક વાહન ચેકિગ ઝુંબેશ હાથ ધરાતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંધન કરતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં ઝડપાયેલા બે શખ્સોએ વધુ પાંચ ચોરીની કરી કબૂલાત