બનાસકાંઠા: ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરાઈ


- ગુન્હાખોરી ઘટાડવા અને લોકોની સુરક્ષા વધારવા પોલીસ ચોકી શરૂ કરાઈ
ડીસા, 27 ડિસેમ્બર: ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોલીસ ચોકી શરૂ થતાં આ વિસ્તારમાં લોકોને ઝડપથી કાનુની સહાય મળી રહેશે.
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરમાં પોલીસ ચોકીનો પ્રારંભ થયો છે. આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડૉ. કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદઘાટન થયું છે. હિન્દુ યુવા સંગઠનના દિપકભાઈ કચ્છવા અને નીતિનભાઈ સોનીના સહયોગથી આ પોલીસ ચોકીનું નિર્માણ થયું છે. ત્યારે સમાજ સેવાના આ સુંદર કાર્યમાં બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ડીસા શહેર ઉત્તર પોલીસના હદ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં અંદાજિત 8000થી પણ વધુ લોકો રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો અને ધારાસભ્યની રજૂઆત હતી કે, અહીં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે. જે વાતને ધ્યાને લઈ આજે અહીં પોલીસ ચોકી શરૂ કરતા આ વિસ્તારમાં ગુન્હાખોરી ઘટવાની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોની સુરક્ષામાં વધારો થશે.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાંથી ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપાયા