ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પોલીસ અધિકારી બનેલા જીપ ડ્રાઇવરના પુત્રને રાષ્ટ્રપતિ મેડલ

Text To Speech

બનાસકાંઠા :મારા પિતા જીપ ડ્રાઇવર હતા અને પાલનપુર,અમીરગઢ અને અંબાજી શટલજીપનાં ફેરા કરતા હતાં. તેમનું સ્વપ્ન હતું મારો દીકરો એક પોલીસ ઓફિસર બને. અને હું અભ્યાસ પૂર્ણ કરી પોલીસ ઓફિસર બની ગયો. અને તેમનું સપનું પૂરું થયું. આજે મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો છે. તે મારા પિતાને અર્પણ કરું છું” આ શબ્દો વડોદરામાં DYSP તરીકે ફરજ બજાવતા અને મૂળ પાલનપુરના વતની હરેશકુમાર એ પટેલના છે.

પાલનપુર તાલુકાના જુના લક્ષ્મીપુરા ગામના વતની હરેશકુમાર અમૃતલાલ પટેલ હાલમાં વડોદરા ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. બનાસકાંઠાના ગૌરવ સમાન હરેશકુમાર પટેલ ની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ છે.

સ્વાતંત્ર પર્વ -’22 પ્રસંગે રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ 19 પોલીસ અધિકારી અને કર્મચારીઓની આ મેડલ માટે પસંદગી થઈ છે. જેમાંના એક પાલનપુરના હરેશકુમાર પટેલ પણ છે. તેમના પિતા અમૃતલાલ કે જેઓને લોકો અંબારામભાઈ જીપવાળા તરીકે જ ઓળખતા હતાં. તેમને વર્ષો સુધી ડ્રાઇવિંગ કરીને પુત્ર હરેશના નાનપણથી શિક્ષણ ઉપર ધ્યાન આપી. તેમને પોલીસ અધિકારી બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેમના પિતા હંમેશા પોલીસ ઓફિસરની કોઈ ફિલ્મ આવે તો તે અચૂક જોતા અને તેમની આ રુચિ પુત્ર હરેશને ધ્યાનમાં આવી. જેથી તેમને પિતાના સ્વપ્નને પૂરું કરવાનું મન બનાવી લીધું હતું. હરેશ પટેલ કોલેજમાં બીકોમ. એલએલ.બી. એમ.એ. (ઇંગ્લીશ) સુધી અભ્યાસ કરી અનુસ્નાતક થયા. કોલેજકાળમાં પણ તેઓ NCC માં જોડાયા. અને ત્યારબાદ પોલીસ ખાતામાં પસંદગી પામ્યા હતા.

DYSP હરેશકુમાર પટેલ
જીપ ડ્રાઇવરના પુત્રને રાષ્ટ્રપતિ મેડલ

ગુજરાત પોલીસમાં હરેશકુમાર પટેલ સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં લાંબો સમય સેવા આપી હતી. અને કમાન્ડો ફોર્સમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે ગુજરાતની રાજ્ય કક્ષાની 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવી પરેડમાં તેઓ ઘણી વખત પરેડ કમાન્ડર પદે પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં મોડાસામાં યોજાયેલી રાજ્ય કક્ષાની પરેડમાં પણ તેઓએ પરેડ કમાન્ડર તરીકે ફરજ નિભાવી હતી.

આમ નાનપણમાં સરકારી શાળામાં જ અભ્યાસ કરીને કોલેજમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ DYSPના હોદ્દા સુધી પહોંચેલા હરેશકુમાર પટેલને તેઓની પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થયો છે. જે આ હોદા સુધી પહોંચાડવામાં જેમની તપસ્યા રહી હતી. તેવા તેમના પિતા સ્વ. અમૃતલાલ બેચરદાસ પટેલને તેઓએ આ મેડલ અર્પણ કર્યો છે. અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

જીપ ડ્રાઇવરના પુત્ર હોવાની કોઈ નાનમ ના અનુભવી

હરેશ પટેલ પોલીસ અધિકારી બન્યા છતાં પણ તેમના પિતા સ્વ.અમૃતલાલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓએ જીપ ડ્રાઇવિંગ ચાલુ જ રાખ્યું હતું. પરંતુ હરેશ પટેલે ક્યારે પણ પોતે એક ડ્રાઈવરના પુત્ર હોવાની શરમ અનુભવી ન હતી. તેઓ ગૌરવથી કહે છે કે, “મારા પિતાના આશીર્વાદથી જ હું આ હોદ્દા સુધી પહોંચ્યો છું.” અમૃતલાલ પટેલ છેલ્લે જીવ્યા ત્યાં સુધી ડ્રાઇવિંગ કરતા રહ્યા અને શાળામાં બાળકોને વાહનમાં લેવા- મુકવા સુધીની કામગીરી કરીને પ્રવૃત્તિમય રહ્યા હતા.

Back to top button