બનાસકાંઠા : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવિષ્ટ ભીલડી રેલવે સ્ટેશન ખાતે તકતી અનાવરણ કરાઈ
- અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા 4886 કરોડના ખર્ચે દેશભરના 554 રેલવે સ્ટેશન નો કાયાકલ્પ
- રૂ. 1,500 રોડ ઓવરબ્રિજ / અંડર પાસનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
પાલનપુર 26 ફેબ્રુઆરી 2024 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના ૬ ડિવિઝનોમાં આવેલા ૬૬ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના ૫૫૪ સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ/ ખાતર્મુહત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. અંદાજિત રૂ।. ૪૮૮૬ કરોડના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવી રહેલા આ ૬૬ સ્ટેશનો માંથી, ૪૬ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે, જ્યારે ૧૧ મહારાષ્ટ્રમાં અને ૯ મધ્ય પ્રદેશમાં છે.
ગુજરાતના ૪૬ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત રલેવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે. રૂપિયા 11 કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે, તો સાથે સાથે ઓવરબ્રિજ / અંડર પાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે. ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત એમ જણાવી સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે, આઝાદી બાદ પહેલી વખત 2100 જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે, જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે. તો ભીલડી રલવેસ્ટેશનના નવીનીકરણ થી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન 2029 સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રેલવેસ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકારને કરવા સૌને એકજુટ બનવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ રલેવે વિભાગના સિનિયર ડી.એમ.ઇ જગત અંબા પ્રસાદ, રેલવેના અધિકારીઓ, સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રશીકજી ઠાકોર, મંત્રી ખેમસિંહ ઠાકોર, ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી, ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઇ રબારી, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : વડોદરાથી ભાગેલા ભૂવાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી ઝડપ્યો