ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાંથાવાડા પાસે પાઇપ લાઈનમાં ભંગાણ, ડીસા તાલુકાના 12 ગામોમાં પાણીની સર્જાઈ તંગી

Text To Speech
  • વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તંત્ર એ ખાત્રી આપી

પાલનપુર : દાંતીવાડાના પાંથાવાડા પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ડીસા તાલુકાના 12 જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. અને બે દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાય છે અને તેમાંય પણ જો બોર કે પાઇપલાઇનમાં કોઈ ઘટના સર્જાય તો પછી લોકોની હાલત કફોડી બની જાય છે. ડીસા તાલુકાના 12 જેટલા ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. ડીસાના 15 જેટલા ગામમાં દાંતીવાડાના પાંથાવાડા પાસે આવેલ સીપુ જુથ યોજનામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાંથાવાડા પાસે ખોદકામ દરમિયાન આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 12 ગામમાં પીવાના પાણી બંધ થઈ ગયું છે. જો કે ભંગાણ સર્જાતા જ પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. પરંતુ પાંથાવાડામાં રીપેરીંગ કર્યા બાદ તરત જ લાખણાસર પાસે પણ ભંગાણ સર્જાયું હતું. જેના કારણે બે દિવસથી ગ્રામજનો પાણી વિના ટળવળી રહ્યા છે.

પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ડીસા તાલુકાના ધનપુરા, આગડોલ, ઘાડા, રોબસ, જાવલ, વિઠોદર, કોચાસણા અને ભાચરવા સહિત 12 ગામોમાં પીવાનું પાણી મેળવવા માટે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. આ મામલે સ્થાનિક પાણી પુરવઠા અધિકારી રાજેશભાઈ ડાભી એ જણાવ્યું હતું કે અત્યારે આ 15 જેટલા ગામોમાં પાણી આપવામાં આવતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકો માટે મુશ્કેલી સર્જાય છે. જોકે અમે તાત્કાલિક રીપેરીંગ કામકાજ શરૂ કર્યું હતું પરંતુ ત્યાં રીપેર કરતા બીજી જગ્યાએ ભંગાણ થયું જે પણ રીપેર થઈ જશે. જ્યારે લોકો માટે સાંજ સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

આ પણ વાંચો : 30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા

Back to top button