બનાસકાંઠા : પાલનપુરના વિદ્યાર્થી આયર્ન મોદી કેસમાં પીઆઈ ગોસાઇ સસ્પેન્ડ
- અપહરણ થયા બાદ પીઆઈ એ ગંભીરતા દાખવી ન હતી
- કેસની તપાસ પાલનપુર તાલુકા પોલીસને સોંપાઈ
- આયર્ન મોદી કેસમાં પીઆઈ ગોસાઇ સસ્પેન્ડ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતા વિદ્યાર્થીના અપહરણની ઘટના બાદ ઢોર માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેને લઇને મોદી સમાજ અને શહેરમાં આક્રોશ ફેલાયો હતો. આ કેસમાં ગંભીરતા નહિ દાખવનારા પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ‘અમારું ધનુષ ચોરાઈ ગયું છે પણ માનુષ અમારી સાથે છે’ – ઉદ્ધવના આકરા પ્રહાર
પાલનપુરમાં કોલેજની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા આયર્ન મોદી નામના વિદ્યાર્થીનું બે દિવસ અગાઉ ડેરી રોડ પર આવેલી કોલેજમાંથી અજાણ્યા નંબરથી ફોન કરી કોલેજ બહાર બોલાવીને ગાડીમાં કેટલાક અજાણ્યા શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેને છોડી દેવાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા આયર્ન મોદીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ.
આ ઘટના બાદ મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે વાલીઓએ મૃતકની લાશનો કબજો લેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે બનાસકાંઠા એસ.પી. ને મળી સમાજના લોકોએ આયર્નના હત્યારા ગુનેગારો પકડવા રજૂઆત કરી હતી. આ બનાવમાં પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે એસ.પી. એ જાતે કાર્યવાહી કરી પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી. બાદમાં મૃતકના વાલીઓએ લાશનો કબ્જો લીધો હતો. જ્યારે વિદ્યાર્થીના અપહરણની ઘટનાને ગંભીરતાપૂર્વક ના લેતા પૂર્વ પોલીસ મથકના પીઆઈ ગોસાઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને લઇને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ ઘટનાને લઈ હજુ પણ શહેરીજનોમાં રોષ ફેલાયેલો છે. ત્યારે પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં એલ.સી.બી.,એસ.ઓ.જી. અને પેરોફર્લો સહિતની ટીમો કામે લાગી છે. તેમજ ઘટના સ્થળના CCTV અને કોલ ડીટેલ આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. અને હત્યાના મામલાની તપાસ પાલનપુર તાલુકા P I સહિતની ટીમને પણ સોંપાઈ છે.