બનાસકાંઠા : દારૂબંધીને લઈ ગામડાઓમાં લોકો જાગૃત બન્યા, ક્યાંક ઢોલ પીટાવ્યો, ક્યાંક કડક આદેશ કરાયા
પાલનપુર: ભાવનગર જિલ્લામાં બોટાદ તાલુકામાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડના પગલે દારૂબંધીને લઈને લોકોમાં સ્વયંભૂ જાગૃતિ આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના વ્યસનમાં ફસાયેલા અનેક વ્યસનીઓ પરિવારને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી રહ્યા છે. ત્યારે હવે દારૂને ગામવટો આપવા માટે આગેવાનો અને લોકો આગળ આવી રહ્યા છે.
જેમાં થરાદના શિવનગરની મહિલાઓએ થોડા દિવસ પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ મથકમાં પહોંચી અને શિવનગર વિસ્તારમાં દારૂ બંધ કરાવવાની પોલીસ સમક્ષ માગણી કરી હતી. તો હવે ડીસા તાલુકાના સોયલા ગામના મહિલા સરપંચ મીઠીબેન જોશીએ પણ ગામમાં કડક આદેશ જારી કર્યો છે. જેમાં ગામમાં દારૂ પીતા હોય તેવા લોકોની હવે ખેર નથી..! સોયલામાં દારૂ વેચનાર અને પીનાર બંને સામે કડક કાર્યવાહી કરવાનો નક્કી કરાયું છે. એટલું જ નહીં બીજા ગામમાંથી દારૂ પીને સોયલા ગામમાં પ્રવેશનાર સામે પણ ફરિયાદ નોંધાશે. જ્યારે લાખણી તાલુકાના જડીયાલી ગામમાં સરપંચે ઢોલ પીટાવ્યો છે. અને દારૂનો ધંધો ન કરવા ચેતવણી આપી છે. ગામમાં દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. લાખણી તાલુકાના મડાલ, ધૂંણસોલ, ભાડીયાલ અને હવે જડીયાલીમાં પણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા પોલીસ મથકે જાણ કરીને ગામમાં ઢોલ વગાડી ગામમાં કોઈ દારૂનો ધંધો કરશે કે સેવન કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.