બનાસકાંઠા: ડીસા શહેર પોલીસ દ્વારા પેસેન્જર વાહનોની માહિતી એકત્રિત કરાઈ


પાલનપુર: ડીસા શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઇક્કો અને રીક્ષા ચાલકોના ડ્રાઇવર સહિતના ડેટા એકત્રિત કરી વાહનો પર ઇમરજન્સી નંબર લગાવવામાં આવી રહ્યા છે.
મુસાફરો ઓળખી શકે તે માટે વાહનો પર નંબરના સ્ટીકર લગાડ્યા
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટના ખૂબ જ વધી ગઈ છે. તેમાં બહારથી આવતા મુસાફરો કે અજાણ્યા માણસોને વાહન ચાલકો લૂંટતા હોય તેવી પણ ઘટનાઓ બની રહી છે. ત્યારે પેસેન્જર વાહનમાં બેસતા દરેક લોકો સુરક્ષિત રહે તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા દરેક પેસેન્જર વાહનોના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જર ઇક્કો ગાડી અને રીક્ષા ચાલકોના નામ સરનામું તેમજ તેના માલિકની નામ સહિતના તમામ ડેટા ચકાસણી કરી એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય તમામ પેસેન્જર વાહનો પર આગળ અને પાછળ નંબરના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જેથી બહારથી આવતા અજાણ્યા માણસો અને મુસાફરો જે વાહનમાં બેસે છે તે લોકલ છે કે બહારના તેની ખાતરી કરી શકે.
આ અંગે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, ડીસા શહેર અને દક્ષિણ પોલીસ દ્વારા પેસેન્જર વાહનોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ માહિતી એકત્રિત કરી તમામ પેસેન્જર વાહનોને આગળ અને પાછળ સ્ટીકર લગાવાયા છે. જેથી પેસેન્જર વાહન લોકલ છે કે નહીં તેની ખાતરી કરી મુસાફરો સુરક્ષા મહેસુસ કરી શકે.
આ પણ વાંચો :ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો