બનાસકાંઠા : પાંથાવાડા પોલીસે તાત્કાલીક FIR નોંધી,ખેડુતને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે કરી કાર્યવાહી
પાલનપુર : લોકોના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આરખી ગામના વક્તાભાઇ દલાભાઇ કણબીએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો હતો કે, તેમની પાસેથી વ્યાજખોરો ઉંચી ટકાવારી વસૂલે છે. આ બાબતે આધાર પુરાવા સાથે તેમણે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોવા છતાં પોલીસ ગુન્હો દાખલ કરતી નહોતી. ખેડુત વક્તાભાઇ કણબી આ વ્યાજખોરોની રોજની પઠાણી ઉઘરાણીથી ત્રાસી ગયા હતા. પરંતું જ્યારે આજે ખુદ જિલ્લા પોલીસ વડા દાંતીવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવ્યા અને એમની સમક્ષ વક્તાભાઇ કણબીએ પોતાનો પ્રશ્ન રજૂ કરતા જ પોલીસ અધિક્ષક એ પાંથાવાડા પોલીસ ઇન્સ્પેક્ટરને આ બાબતે એફ.આર.આઇ.નોંધી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષકની સુચના મુજબ પાંથાવાડા પોલીસે તાત્કાલીક એફ.આર.આઇ. નોંધીને ખેડુત વક્તાભાઇ કણબીને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશ્નનું નિરાકરણ આવતા આરખી ગામના ખેડુત વક્તાભાઇ કણબીના ચિંતાના વાદળો દૂર થયા છે. આમ સ્વાગત કાર્યક્રમ ગામડામાં રહેતા ગરીબ અને નિરક્ષર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. તેઓ સરકારની આ કામગીરીની પ્રસંશા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના લોરવાડા ગામે વૃદ્ધ ઉપર હુમલો, ઈજા થતાં સારવાર હેઠળ ખસેડયા