ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ કરાયો

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોના રિ-ડેવલપમેન્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો
  • પાલનપુરમાં સાંસદ પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર સ્ટેશનનો વર્ચ્યુઅલ શિલાન્યાસ યોજાયો
  • રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેશનનું લોકાર્પણ કરાયું

પાલનપુર : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં આવેલ 1309 રેલવે સ્ટેશનનો રિ-ડેવલપમેન્ટ કરવામા આવી રહ્યો છે. જેના પ્રથમ તબક્કામાં 508 સ્ટેશનોને આવરી લેવાયા છે. જેના ભાગરૂપે ગુજરાતના 21 રેલવે સ્ટેશન સહિત બનાસકાંઠાના પાલનપુર જંકશન રેલવે સ્ટેશનનું પણ રી ડેવલપમેન્ટ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11 વાગ્યે રિમોટ કંટ્રોલ દ્વારા સમગ્ર દેશના 508 સ્ટેશનોના રિ-ડેવલપમેન્ટ માટે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જે અંતર્ગત લોકસભા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યસ્થાને પાલનપુર સ્ટેશનનો પુનઃવિકાસ – લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ કામો નિરંતર ચાલ્યા કરે છે. જેના ભાગરૂપે આજે દેશભરના 508 સ્ટેશનો સાથે પાલનપુર રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થશે. રેલવે સ્ટેશનની નવીન સુવિધાઓથી પ્રવાસીઓની મુશ્કેલીઓ દૂર થશે. અને એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ રેલવેસ્ટેશન જિલ્લા અને પાલનપુર ની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે. પ્રજાની મુશ્કેલીની તંત્રને જાણ હોતી નથી, ક્યાં શુ કરવાથી શુ થાય એમ છે એ વાત તંત્ર અને સરકાર સુધી રજુઆત કરવાથી જનસુખાકારીના પગલાં લેવાય છે. એક સામાન્ય માણસનું સૂચન પણ દેશનું ભાવિ બદલી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મન કી બાત કાર્યક્રમ એ દેશવાસીઓનો અવાજ છે. લોકોની રજુઆત રૂપે આજે સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્ર સાર્થક બન્યું છે. આઝાદીના અમૃતકાળમાં પાણી, રોડ ,રસ્તા, કૃષિ, રોજગાર, શિક્ષણ ક્ષેત્રે અનેક કલ્યાણ કારી યોજનાઓથી લોકોનું જીવન બદલાયું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પાલનપુર ના નવીન રેલવે સ્ટેશનની સુવિધાથી લોકોની સુખાકારી માં વધારો થશે. મુશ્કેલીઓનો અંત આવશે અને સામાન્ય માણસ પણ આરામદાયક મુસાફરી અમે સગવડોનો લાભ ઉઠાવી શકશે. તો સ્થાનિક કક્ષાએ રોજગારી અને પરિવહનની તેમજ પર્યટનને પણ વેગ મળશે.

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો અને વિવિધ સ્પર્ધાઓ અને ખેલકુંદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી , પાલનપુર નગરપાલિકા પ્રમુખસુશ્રી કિરણબેન રાવલ, પદ્મશ્રી ગેનાજી, રેલવેના નોડલ ઓફિસર રાજેન્દ્રકુમાર સહિતના અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવું રેલવે સ્ટેશન

પાલનપુર રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે પાલનપુર રેલવે સ્ટેશનનું લગભગ રૂપિયા 48 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમૃત ભારત રેલવે સ્ટેશનમાં લાઇટિંગ, પાર્કિંગ, વિકલાંગોને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે સ્ટેશનની ઈમારત નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમાજને વ્યસન મુક્ત કરવા હાકલ કરી

Back to top button