ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરના કલાકાર મગન લુહાર ની ફિલ્મ ‘શુભયાત્રા’ રિલીઝ થઈ

  • ગટ્ટુ નામનું પાત્ર મગન લુહારે ભજવ્યું છે
  • ગુજરાતી ફિલ્મ ‘સત્તી પર સત્તો’ અને ‘સ્વાગતમ’ જેવી ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી

પાલનપુર : બનાસકાંઠાની પાલનપુર શહેર કલાની નગરી તરીકે ઓળખવામાં આવે છે.પાલનપુર શહેરે અનેક કલાકારો ગુજરાતને આપ્યા છે. પાલનપુરના માનસરોવર પાસે હરીપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ લુહારી પરિવારમાં જન્મેલા મગન લુહાર તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘શુભયાત્રા’ ના કારણે સમગ્ર પાલનપુર શહેર,બનાસકાંઠા જીલ્લામાં અને ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં મગન લુહાર નું નામ લોકજીભે રમતું થયું છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના વિગ્નેશ શિવાન અને જાણીતી અભિનેત્રી નયનતારાના રાઉડી ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી અને નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક મનીષ સૈની દિગ્દર્શિત તથા ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, હેમીન ત્રિવેદી, હીતુ કનોડીયા, જય ભટ્ટ વગેરે સાથે અભિનીત ગુજરાતી ફિલ્મ શુભયાત્રા 28 એપ્રિલ શુક્રવારના રોજ સમગ્ર ગુજરાત અને મુંબઈના થિએટરોમાં રિલીઝ થઈ છે. તેમાં પાલનપુર શહેરના ઉભરતા કલાકાર મગન લુહારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.આ ફિલ્મ રિલીઝ થયા બાદ મગન લુહારના અભિનયની ફિલ્મ ક્રિટિક્સ ફિલ્મ જગતના કલાકારો તેમજ ફિલ્મ રસિક પ્રેક્ષકો દ્વારા ભરપૂર સરાહના મળી રહી છે.

શરૂઆતમાં કોમ્પ્યુટર ટીચર અને ત્યારબાદ પિતાને પોતાના વ્યવસાયમાં કામ કરવા માટે મદદરૂપ થવાની સાથે સાથે મગન લુહારે શોર્ટફિલ્મ, ટીવી સિરિયલ,એડવર્ટાઇઝમેન્ટ તથા ડોક્યુમેન્ટરી તેમજ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા કરતાં આગવી ઓળખ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. ગુજરાતી ફિલ્મ ‘સત્તી પર સત્તો’ અને ‘સ્વાગતમ’ જેવી ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. તેના અભિનય અને પરફોર્મન્સ સ્કિલને ધ્યાનમાં રાખીને કાસ્ટિંગ ડિરેક્ટર ભાવિન પરમાર અને ખૂદ મલ્હાર ઠાકરે મગન લુહારને શુભ યાત્રા ફિલ્મની મોટી ભુમિકા માટે પસંદ કર્યો હતો. વિદેશ જવાની ઘેલછા રાખતા આપણા ગુજરાતી યુવાનો પૈકીનો એક યુવાન મોહન જ્યારે પાસપોર્ટ લેવા માટે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને છેક સુધી મદદરૂપ થનાર યુવાન ગટ્ટુ નામનું પાત્ર મગન લુહારે ભજવ્યું છે. તેમનું આ પાત્ર અને આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં લોકો વખાણી રહ્યા છે ખૂબ લાંબા સમય પછી એક સારી ગુજરાતી ફિલ્મ લોકોની વચ્ચે આવી છે ત્યારે મગન લુહારે બનાસકાંઠા વાસીઓ તેમજ ગુજરાતના તમામ લોકોને આ ફિલ્મ થિયેટરમાં પરિવાર સાથે જોવા જવા માટે પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો : પાવાગઢમાં મોટી દુર્ઘટના, માચી ખાતે આવેલ વિશ્રામ સ્થળનું ધુમ્મટ તૂટી પડતા શ્રદ્ધાળુઓ દટાયા

Back to top button