બનાસકાંઠા : સૂઈગામના ઉચોસણ ગામ નજીક તળાવમાં ડૂબી જતાં 3 પિતરાઈ ભાઈ બહેનોના મોત નિપજતાં અરેરાટી
- તળાવે કપડાં ધોવા ગયેલી બે સગી બહેનોએ તળાવમાં ડૂબતા કાકાના દીકરાને બચાવવા જતાં જીવ ગુમાવ્યો.
- ગોઝારી ઘટનાને લઈ પરિવારજનોમાં રોકકળ
- ડોકટર બનવાનું સ્વપ્નું ધરાવતી ભૂમિ દેસાઈ નું સ્વપ્નું અધૂરું જ રહ્યું.
- એક માસ પહેલા જન્મેલા પારણીયે પોઢેલા માસૂમ ભાઈએ બે સગી બહેનો ગુમાવી.
પાલનપુર : સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીકના તળાવમાં કપડાં ધોવા ગયેલી બે સગી બહેનો સાથે બે પિતરાઈ ભાઈઓ પૈકી એક મોટો ભાઈ તળાવમાં ન્હાવા પડતા તેં ડૂબવા લાગેલ,જેને બચાવવા જતા એક પછી એક બે બહેનો સાથે ત્રણ માસૂમ કિશોર કિશોરીઓના તળાવમાં ડૂબી જતાં ત્રણેય માસુમના કરુણ મોત નિપજતાં સમગ્ર ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તળાવ પર દોડી ગયેલા લોકોએ ઊંડા પાણીમાં શોધખોળ કરી ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ગોઝારી ઘટનાને પગલે પરિવાર જનોમાં રોકકળ મચી જવા પામી હતી.
સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતાબેન માંદેવભાઈ રબારી,ભૂમિબેન માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયેલ. જ્યાં વિષ્ણુ તથા મહેશ બન્ને ભાઈઓ તળાવના ઓવરે પાણીમાં ન્હાતા હતા. જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં જતાં ડૂબવા લાગેલ. જેને જોઈ કપડાં ધોઈ રહેલી અસ્મિતાબેન તથા ભૂમિબેન બન્ને બહેનો એ ડૂબતા ભાઈને બચાવવા પાણીમાં પડતા ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે જોઈ નાનકડો મહેશ ગામમાં દોડી આવેલ અને બનાવની જાણ કરતા ગ્રામજનો તળાવ કાંઠે દોડી ગયેલ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાં ગરકાવ ત્રણેય પિતરાઈ ભાઈ બહેનોની લાશને મહામહેનતે બહાર કાઢેલ. ગોઝારી ઘટનાને પગલે મૃતકના પરિવારજનો હૈયાફાટ રુદન કરતા હતા. જ્યારે અરેરાટી ભરી ઘટનાને લઈ ગ્રામજનોમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભારત માલા રોડ માટે તળાવમાંથી કોન્ટ્રાકટરે મોટા પ્રમાણમાં માટી લીધી હોઈ તળાવ લગભગ 40 ફૂટ ઊંડું થઈ ગયું છે,જેમાં જમીનમાંથી નીકળતું તેમજ કેનાલનું પાણી ભરવામાં આવેલ હોઈ અગાઉ ખૂબ જ ઊંડા થઈ ગયેલા તળાવમાં અગાઉ બે ગાયો પણ ડૂબીને મરી ગઈ હતી,અને તળાવ ઊંડું બનાવી દીધું હોઈ ત્રણેય માસુમ બાળકો ભોગ બનતા ગોઝારી કરૂણાતીકા સર્જાઈ હતી. બનાવના પગલે ગામના તમામ સમાજના લોકો મૃતક ના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. 3 પિતરાઈ ભાઈ- બહેનોની એક સાથે અર્થી ઉઠતાં સ્મશાન યાત્રામાં જોડાયેલા સૌ કોઈ આત્મીયજનની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી હતી.
પિતાએ દીકરીઓની ડોલી ને બદલે અર્થી ઉઠાવી.
3 મૃતક પિતરાઈ ભાઈ બહેનો પૈકી અસ્મિતાબેન અને ભૂમિબેન બન્ને સગી બહેનો હતી. ત્રણ બહેનો બાદ એક માસ પહેલાં ત્રણેય બહેનો વચ્ચે ભાઈનો જન્મ થયો છે. પારણીયામાં પોઢેલા માસૂમ ભાઈએ બે મોટી બહેનો ગુમાવી છે. જ્યારે દીકરીઓના પિતા માદેવભાઈ એ યુવાન દીકરીઓના લગ્ન કરી ડોલી ઉઠાવવાના બદલે ભારે હદયે બન્ને મૃતક દીકરીઓની અર્થી ઉઠાવવી પડી હતી.
ભૂમિનું ડોકટર બનવાનું સ્વપ્નું અધૂરું રહ્યું.
મૃતકો પૈકી ભૂમિબેન માદેવભાઈ રબારી દાંતીવાડા નવોદય વિદ્યાલયમાં ધો.7 માં અભ્યાસ કરતી હતી,ભણવામાં હોશિયાર ભૂમિને ડોકટર બનવાનું સ્વપ્નું હતું,પણ ગોઝારી ઘટનામાં તેનું મોત નિપજતાં તેનું સ્વપ્નું અધૂરું રહ્યું હતું.
વેકેશનમાં ઘરે આવેલી બન્ને બહેનોને મોત મળ્યું
મૃતકો પૈકી વિષ્ણુભાઈ ભલાભાઈ કરશનભાઇ રબારી (ઉ.વ.14) ગામની પ્રાથમિક શાળામાં ધો.7 માં ભણતો હતો,જ્યારે અસ્મિતાબેન માદેવભાઈ રબારી (ઉ.વ.15) ભાભરની સર્વોદય હાઈસ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતી હતી. જ્યારે ભૂમિબેન માદેવભાઈ રબારી (ઉ.વ.13) દાંતીવાડા નવોદય વિદ્યાલયમાં ધો.7 માં અભ્યાસ કરતી હતી. હમણાં પરીક્ષા પુરી થયા બાદ વેકેશન હોઈ ઘરે આવેલ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : રોટરી ક્લબ ડીવાઈવન દ્વારા યોજાયો ફ્રી થાઈરોઈડ અને ડાયાબિટીસ કેમ્પ