બનાસકાંઠા: પરીક્ષાર્થીઓ માટે ડીસા ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો નું આયોજન


પાલનપુર: સમગ્ર રાજ્યમાં રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે માટે ડીસા ડેપો દ્વારા વિશેષ એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે.ડીસા અને ધાનેરા બસ સ્ટેશનથી કુલ 17 બસોની એક્સ્ટ્રા ટીપ લગાવવાશે.
ધાનેરા અને ડીસા બસ સ્ટેશનથી 17 એક્સ્ટ્રા બસ દોડશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું પેપર અગાઉ ફૂટતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે પરીક્ષા 9 એપ્રિલ રવિવારના રોજ લેવાનાર છે. આ પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો પરીક્ષાર્થીઓને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા ખાતે પરીક્ષા આપવા જવું પડશે. જે માટે પરીક્ષાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થળ પર સરળતાથી પહોંચી શકે તે માટે ડીસા એસટી ડેપો દ્વારા વધારાની બસો મૂકવામાં આવશે. ડીસા એસટી ડેપો હેઠળ આવતા ડીસા અને ધાનેરા બસ સ્ટેશનથી પરીક્ષાર્થીઓ માટે વહેલી સવારથી લઈને કુલ 17 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. પરીક્ષાર્થીઓએ પણ આ બસની સેવાનો લાભ લેવો હોય તો વહેલી તકે બુકિંગ કરાવી લેવા પણ ડેપો દ્વારા જણાવવામાં આવ્યું છે.