બનાસકાંઠા : ભારે વરસાદની આગાહીના પગલે હેડ કવાર્ટર ન છોડવા આદેશ


પાલનપુર : બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લામાં પુરની અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તાત્કાલિક નાગરિકોને મદદરૂપ થઈ શકાય તે માટે તંત્રને એલર્ટ મોડ ઉપર રહેવા જિલ્લા કલેકટર આનંદ પટેલે આદેશ કર્યો છે.તેમજ આ દિવસોમાં અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા અને હાજર રહેવા માટેની સુચના આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તાબામાં આવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારઓ પણ સજાગ રહેવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23એ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. 24 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. તો આજ રોજ 20 જુલાઈએ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.