બનાસકાંઠા : ચેક રીટર્ન કેસમાં ડીસાના વેપારીને એક વર્ષની સજા
- ડીસાના ચીફ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
પાલનપુર 19 મે 2024 : ડીસામાં છુટક કરિયાણાનો વ્યાપાર કરતા વેપારીએ હોલસેલના વેપારી પાસેથી માલ લઈ નાણા પેટે આપેલો ચેક પરત ફરતા ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં છૂટક વેપારીને એક વર્ષની સજા કરવાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરમા હીરાબજાર વિસ્તારમાં રહેતા નરેશકુમાર જામનદાસ ઠક્કર છૂટક કરિયાણાની દુકાન ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇકો કાર મારફતે કરિયાણાના માલ સામાનનું વેચાણ કરે છે. તેઓએ ડીસાના સુભાષચોકમાં આવેલ હોલસેલ કરિયાણાની દુકાન ગણેશ કોર્પોરેશનના પ્રોપરાઈટર અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરી પાસેથી દુકાનેથી ચા-પત્તી, મરચા અને હળદરની કુલ્લે રૂ।-. 240000 નો માલ ખરીદી કરી હતી. જેના નાણા ચુકવવાની જવાબદારી પેટે આપેલ ચેક રીટર્ન થતા વેપારીએ અવારનવાર ઉધરાણી કરવા છતાં પૈસા ચૂકવતા ન હતા. જેથી ગણેશ કોર્પોરેશન ના પ્રોપરાઇટર અર્જુનભાઈ દ્વારા નરેશભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ડીસાના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ પટેલની કોર્ટમાં ચાલી જતા કોર્ટએ વકીલ ડી.જે.તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નરેશકુમાર જામનદાસ ઠક્કરને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ|-.240000 ફરિયાદી અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે.અને વળતરની રકમ ચુકવવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાલિકાએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ કરી શરૂ