સહાય ના મળતા ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ કર્યો અનોખો વિરોધ
બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રિત ગાયોને ઘાસ સહાય ના સરકારે જાહેર કરેલા રૂ. 500 કરોડમાંથી હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. ત્યારે સોમવારે ગૌવંશના પ્રતિનિધિ તરીકે એક વાછરડું પોતે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યુ હોય તેવો આશ્ચર્યજનક કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. જેમાં સંચાલકો એ ઢોલ અને મંજીરાના નાદ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
સહાય માટે કરી માંગ
બનાસકાંઠા જિલ્લામાં 170થી વધુ ગૌશાળાઓ અને પાંજરાપોળો આવેલી છે. જ્યારે હજારો પશુઓની તેમાં નિભાવણી થઈ રહી છે. જ્યારે આ સંસ્થાઓને ઘાસચારા માટે અગાઉ રાજ્ય સરકારે રૂપિયા રૂ. 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી આજ દિન સુધી એક ફૂટી કોડી પણ સહાયરૂપે આપવામાં આવી નથી. જેને લઈને આ સંસ્થાઓના સંચાલકો દ્વારા જિલ્લાના દરેક તાલુકા મથકોએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.
મામલતદારને આપ્યું આવેદનપત્ર
ડીસા ખાતે પણ તમામ ગૌવંશ વતી એક વાછરડું પોતે જ આવેદનપત્ર લઈને મામલતદાર કચેરીમાં પહોંચ્યુ હતું. અને ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગૌવંશ વતી વાછરડાં દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમારા પોષણ માટે રૂપિયા 500 કરોડની જાહેરાત પછી એક પણ રૂપિયો અમારા માટે ફાળવાયો નથી. જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ખૂબ જ દુવિધામાં મુકાયા છે. અને તેમની પાસે અમારા પોષણ માટે ધનની કમી છે. વળી દાતાઓ તરફથી પણ દાન આવતું નથી. અમે ખૂબ જ દુઃખી છીએ, જેથી અમારી દુઃખની લાગણી સમજી ગૌમાતા પોષણ યોજના તાત્કાલિક લાગુ કરવા વિનંતી કરીએ છીએ. આ આવેદનપત્ર આપવા માટે જ્યારે એક વાછરડું મામલતદાર કચેરીએ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સંચાલકોએ ઢોલક અને મંજીરાના નાદ સાથે રામધૂન બોલાવી
ડીસા તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો હાથમાં બેનર તેમજ ઢોલ, ઢોલક અને મંજીરાના નાદ સાથે રામધૂન બોલતા બોલતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.