બનાસકાંઠા: હવે, જિલ્લામાં કુલ 2555 મતદાન મથક થયા
પાલનપુર: આગામી લોકસભા સામાન્યની ચૂંટણી-૨૦૨૪ને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં ચૂંટણીને લઈને મતદાન મથકોમાં જરૂરી ફેરફાર માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને 31 જુલાઈના રોજ પાલનપુર ખાતે મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કુલ 2612 મતદાન મથકો પૈકી 61 મર્જ કરાયા, ચારનો નવો ઉમેરો
જેમાં ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધે નહી તે ધ્યાને લઇ મતદાન મથકનું શિફ્ટીંગ, મતદાન મથકના સેક્શન શિફ્ટીંગ તેમજ મતદાન મથક મર્જ કરવાની કામગીરીનું વિગતવાર રાજકીય પક્ષોના પ્રમુખ અને પ્રતિનિધિઓની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલ સુચનોને ધ્યાને લઈ યોગ્ય આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.
કલેકટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં યોજાઈ બેઠક
જિલ્લામાં કુલ 2612 મતદાન મથકોમાંથી ચૂંટણી પંચની સૂચના મુજબ 63 મતદાન મથક ઘટાડવાની દરખાસ્ત ને પગલે 61 મતદાન મથક મર્જ કરવામાં આવ્યા છે. જયારે 1500 કરતાં વધુ મતદારોની સંખ્યા હોય એવા 4 મતદાન મથકો નવા ઉમેરવામાં આવતાં જિલ્લામાં સુધારા વધારા સાથેના કુલ 2555 મતદાન મથકો થયા છે. બેઠક અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠાને મળેલ પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા.
આગામી લોકસભા ચૂંટણીને લઈ મતદાન મથકોના પૂનર્ગઠન માટે કરાઈ સમીક્ષા
આ બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે ગઢવી, તમામ 9 વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષઓના પ્રમુખ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં BRTS-AMTSની ટિકિટ થશે એક, ભાડું પણ સરખુ