બનાસકાંઠા : હવે ડીસામાં આશા વર્કર ઉતર્યા અચોક્કસ મુદતની હડતાલ ઉપર
પાલનપુર: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ ઇનસેન્ટિવ અપાતું હોય ઇનસેન્ટિવ પ્રથા બંધ કરવા સહિતની માંગણીઓ સાથે આશાવર્કર બહેનોએ આજે (બુધવારે) ધરણા યોજી અચોક્કસ મુદત માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.
ઇનસેટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવાની માંગ
ડીસામાં સરદાર બાગ ખાતે આશાવર્કર બહેનોએ ધરણા યોજી નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈ ચોક્કસ મુદત સુધી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય ખાતામાં અન્ય કર્મચારીઓની સાથે ખભેખભો મિલાવીને કામ કરતા આશાવર્કરોને પૂરતો પગાર આપવામાં આવતો નથી. આશાવર્કરોની માંગણીઓ છે કે, ઇનસેન્ટિવ જેવી શોષણ પ્રથા બંધ કરી તેઓને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવામાં આવે, વર્ગ ૫ નું નવું મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કરોનો કામકાજનો સમય ફિક્સ કરવામાં આવે, અન્ય સરકારી કર્મચારી મહિલાઓની જેમ આશા વર્કર બહેનોને પણ 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે, ગુજરાત સરકારનું ઓળખ પત્ર આપવામાં આવે,ઓનલાઇન કામકાજ અંતર્ગત એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે તેમજ 45 વર્ષથી ઉપરની બહેનોનો પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે સહિતની માંગણીઓ તેઓએ રજૂ કરી છે.આ માંગણી નહીં સ્વીકારાય તો તેઓ હજુ પણ વધુ દિવસો સુધી કામકાજથી અળગા રહેશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જુઓ યાદી..