બનાસકાંઠા: ડીસામાં આંબલીકુવા પાસે નગરપાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરના 60 દુકાનદારોને નોટીસ


પાલનપુર: ડીસા નગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ શહેરના આંબલી કુવા વિસ્તારમાં બનાવેલા શોપિંગ સેન્ટર જર્જરિત થઈ જતાં શોપિંગ સેન્ટર ખાલી કરવા 60 જેટલા દુકાનદારોને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને ત્રણ દિવસમાં દુકાન ખાલી કરવા જણાવ્યું છે.
જર્જરિત દુકાનો રીપેર કરવા 3 દિવસમાં દુકાનો ખાલી કરવા આપી નોટીસ
ગુજરાત રાજ્યમાં હાલ પ્રીમોનસૂનની કામગીરી ચાલુ હોય દરેક શહેરોમાં જુના અને જર્જરીત મકાનો કે દુકાનો તાકીદે ખાલી કરવા જે તે વિસ્તારની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે. જે અંતર્ગત ડીસા શહેરમાં આવેલ દક્ષિણ પોલીસ સ્ટેશનની સામે આંબલી કુવા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવેલું વર્ષો જૂનું શોપિંગ સેન્ટર હાલમાં ખૂબ જ જર્જરીત અવસ્થામાં આવી ગયું છે. આ શોપિંગ સેન્ટરને રીપેરીંગ માટે વેપારીઓ દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતના પગલે હાલ નગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં પોતપોતાની દુકાનો ખાલી કરવા નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.
નોટિસમાં જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટરની દુકાનો અત્યારે ખૂબ જ ક્ષતિગ્રસ્ત અને જર્જરીત હાલતમાં છે. જેથી નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં તમામ દુકાનો ખાલી કરવાનો હુકમ કર્યો છે. દુકાનો ખાલી કર્યા બાદ તેને રીપેરીંગની કામગીરી શરૂ કરાશે અને જો ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવામાં નિષ્કાળજી રાખશે અને કોઈપણ પ્રકારના જાણમાલને કે લોકોને નુકસાન થશે. તો તેની જવાબદારી દુકાનદારની રહેશે તેમ નોટીસમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ ડે સ્કૂલ યોજનામાં મોટો બદલાવ, રાજ્યમાં હવે 2000 શાળા શરૂ કરાશે