બનાસકાંઠા: ડીસામાં એનડીઆરએફની ટીમે નદીકાંઠાના ગામોની મુલાકાત કરી
પાલનપુર, 27 ઓગસ્ટ 2024, રાજ્યભરમાં થઈ રહેલા મેઘ તાંડવ વચ્ચે ચારે બાજુ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી હોવાથી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તૈનાત રાખી છે. બનાસકાંઠામાં આવેલી એનડીઆરએફની ટીમે ડીસાની બનાસનદીના કાંઠાના ગામોના લોકોને પૂરની પરિસ્થિતિમાં પહોંચી વળવા તેમજ બચાવની કામગીરી કરવા જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી હતી.
સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શક્યતા
રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા અનેક જિલ્લાઓમાં નદીનાાળાઓ છલકાઈ જતા પુરની પરિસ્થિતિ સર્જાઇ છે.જોકે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં પણ સાવ નહિવત વરસાદ થયો છે. આગામી બે દિવસમાં બનાસકાંઠાના ઉપરના ભાગે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શક્યતા છે.
રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો બંને ડેમમાં પાણી વધી શકે
હાલમાં બંને ડેમ 25% થી પણ ઓછા પાણીથી ભરેલા છે. જોકે તેમ છતાં રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો બંને ડેમમાં પાણી વધી શકે અને જો દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉભી થાય તો કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા એનડીઆરએફની ટીમે બનાસ નદી કાંઠે આવેલા રાણપુર ઉગમણાવાસ, રાણપુર વચલા વાસ, વાસડા, મોરથલ ગોળીયા ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને પૂરની પરિસ્થિતિમાં બચાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ અને તાલીમ આપી હતી.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લા કલેકટરે વધુ વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેત રહેવા અપીલ કરી