બનાસકાંઠા : ડીસામાં આદર્શ હાઈસ્કૂલ પાછળ દબાણો હટાવવા પહોંચેલી નગરપાલિકા ટીમ પાછી ફરી, લોકોએ વિરોધ કરતા 24 કલાકનો સમય આપ્યો
પાલનપુર : ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ રોડ પર વર્ષોથી લોકોએ કરેલા દબાણો દૂર કરવા પહોંચેલી નગરપાલિકાની ટીમનો વિરોધ થતાં દબાણદારોને વધુ 24 કલાકનો સમય આપ્યો છે. નગરપાલિકા શહેરના વિકાસ અંતર્ગત 40 ફૂટનો રોડ બનાવતા બંને તરફના દબાણ હટાવવા કાર્યવાહી કરી હતી.
ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જવાના માર્ગ પર બંને તરફ વર્ષોથી લોકો દબાણ કરીને રહે છે. દબાણદારોએ કાચા અને પાકા મકાનો બનાવી દેતા ધીમે ધીમે આ માર્ગ સાંકડો બની ગયો છે. જેના કારણે અહીંથી નીકળતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જે માટે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે નગરપાલિકા હવે વિકાસ અંતર્ગત 40 ફૂટનો રોડ બનાવી રહી છે. જેથી આ માર્ગ પરના 14 જેટલા દબાણદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ દબાણદારોએ દબાણ દૂર કર્યા ન હતા.
જેથી આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ મકાનોમાં સામાન પડ્યો હોવાથી અને દબાણદારોએ વિરોધ કરતા નગરપાલિકાએ રહેમ દ્રષ્ટિ રાખી વધુ 24 કલાકનો સમય આપ્યો છે. જો 24 કલાકમાં દબાણદારો જાતેજ દબાણ દૂર નહીં કરે તો નગરપાલિકા જેસીબી મશીન દ્વારા તમામ દબાણ તોડી પાડશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આદર્શ હાઇસ્કુલ પાછળ દબાણ કરી બેઠેલા કેટલાક લોકો પોતાનું મકાન કરાવે છે. તેમ છતાં પણ અહીં ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે. તેમજ જે લોકો પાસે પોતાનું મકાન નથી. તેમને નગરપાલિકાએ રાજીવ ગાંધી આવાસ યોજનામાં બનાવેલા મકાનોમાં શિફ્ટ થવાની વાત કરી હતી, પરંતુ દબાણદારો આવાસ યોજનાના મકાનમાં જવા તૈયાર થતા નથી. જેથી હવે નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરી તમામ દબાણો તોડી પાડશે.
આ પણ વાંચો : બોટાદના પાળીયાદમાં હત્યા પહેલા વૃદ્ધા સાથે દૂષ્કર્મ થયું હોવાનું ખુલ્યું