ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં નિયમો વિરુદ્ધ બનતા શોપિંગ સેન્ટરોને પાલિકાની નોટિસ

Text To Speech
  • શોપિંગ સેન્ટરમાં નકશા વિરુદ્ધનું બાંધકામ કરી શોપિંગ સેન્ટરની સીડી પણ બહાર મુકાઈ

પાલનપુર  01 જૂન 2024 :  છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં આડેધડ પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઉભા થઇ રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો યથાવત જોવા મળી રહ્યા છે. જેને લઇને પાલિકાની કામગીરી સામે શહેરીજનોમાં સવાલો ઉભા થઇ રહ્યા હતાં ત્યારે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સુચનાથી શહેરમાં બાંઘકામ નિયમોનો ભંગ કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકા દ્વારા પશુ બજાર વિસ્તારમાં નવિન બની રહેલ શોપિંગ સેન્ટર, લાટી બજાર વિસ્તારમાં નવિન બની રહેલ શોપિંગ સેન્ટરના માલિકને નિયમોનો ભંગ થતો હોવાનું જાણવા મળતા આધાર પુરાવા રજુ કરવા માટે પાલિકાએ નોટિસ ફટકારી છે. જેને લઇને બાંઘકામ નિયમોનો ભંગ કરતાં શોપિંગ સેન્ટરોના માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાય શોપિંગ સેન્ટરોના માલિકો દ્વારા ઓનલાઈન બાંઘકામ મંજુરી મેળવ્યા બાદ નિયમ ભંગ કરી શોપિંગ સેન્ટરો ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ પાર્કિંગ સહિત શૌચાલયનો અભાવ જોવા મળે છે. ત્યારે સરકારના બાંઘકામ નિયમોનું ઉલ્લંધન કરી કેટલાક શોપિંગ સેન્ટરોના માલિકો દ્વારા ‌મોટી કમાણી કરી દુકાનો વેચી દેવામાં આવે છે અને બાદમાં શહેરમાં પાર્કિંગના અભાવે ટ્રાફીક સમસ્યા ઉભી થઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે,ડીસા શહેરમાં આજેપણ અનેક વિસ્તારોમાં 50 વધું શોપિંગ સેન્ટરો ઉભા થઇ રહ્યા છે. જેમાં પાર્કિંગ અને માર્જીનની જગ્યા રાખવામાં આવી નથી છતાં ટાઉન પ્લાનિંગ ચેરમેન કે અધિકારી સહિત બાંધકામ વિભાગના ચેરમેન અને અધિકારીઓના નજરે આવા ગેરકાયદેસર શોપિંગ પડતાં નથી. શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી કરવામાં સૌથી મોટો ફાળો આવા શોપિંગ સેન્ટરના માલિકોનો છે.

આ પણ વાંચો : આ ગુજરાતી પરિવારે સસ્તા ભાડાંમાં સ્વિટ્ઝરલેન્ડની જાતરા કરી, જાણો મજાનું પ્રવાસ વર્ણન

Back to top button