બનાસકાંઠા : ડીસા-માલગઢના મહિલા સરપંચ વિરૂદ્ધ રજુ કરાઇ અવિશ્વાસની દરખાસ્ત


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરને અડીને આવેલા માલગઢ ગામના મહિલા સરપંચ સામે સોમવારે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતના 16 માંથી ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી હતી.

ડીસા તાલુકાના માલગઢ ગામના સરપંચ સામે સોમવારે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા ચૂંટાયેલા સભ્યોને કોઈપણ જાતના વિશ્વાસમાં લીધા વગર તેમના પતિ અને કોન્ટ્રાક્ટર સાથે મળી હલકી ગુણવત્તા વાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હતા. તેમજ મહિલા સરપંચના પતિ ચૂંટાયેલા સભ્યો સાથે અભદ્ર વર્તન કરતાં કંટાળેલા ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાંજે ડેપ્યુટી સરપંચ કાજલબેન સંદેશા અને સભ્ય સુરેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, ગામામાં કોઈ કામ થાય તો સરપંચ પતિ અમને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરે છે. હમણાં જ 33 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. જેમાં અડધું કામ થયું નથી અને તમામ ગ્રાન્ટ ઉપડી ગઈ છે. જેથી આજે અમે 10 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત આપવા માટે આવ્યા છીએ.