બનાસકાંઠા : ડીસા માં હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરો સહિત 300 થી વધુ સ્થળોએ તપાસ
- 11 ટીમો બનાવી અખાદ્ય ચીજ વસ્તુ વેચતા વેપારીઓને દંડ ફટકાર્યો
- આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત તપાસ
બનાસકાંઠા 8 જૂન 2024 : બનાસકાંઠાના ડીસામાં શનિવારે ફરી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી, જેમાં અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓ પાસેથી દંડ અને નોટીસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાધ ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા,આરોગ્ય વિભાગે પોલીસ ની સાથે રાખી સંયુક્ત રીતે અલગ અલગ 11 વોર્ડમાં 11 ટીમો બનાવી અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી.આ ટીમોએ શહેરમાં હોટલો,રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેંચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્ય વસ્તુઓ,વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ,તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની આજે તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં લાઇસન્સ પણ જોવા મળ્યા ન હતા. જેથી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500 થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરી એ જણાવ્યું હતું કે, ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 300 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : બસમાં સાથે મુસાફરી કરતાં ગઠિયાએ કોલ્ડ ડ્રીંક પીવડાવી યુવકની 2.65 લાખની મત્તા લૂંટી