બનાસકાંઠા: ચોમાસાની ઋતુને લઈને આગોતરું આયોજન, કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક
- પુર વાવાઝોડા ભારે વરસાદની સ્થિતિમાં ભૂતકાળના અનુભવોને આધારે રાહત બચાવની કામગીરી કરવા સૂચન કરાયું
- જિલ્લા-તાલુકા કક્ષાએ રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે
પાલનપુર : ચોમાસાની ઋતુને અનુલક્ષીને આગોતરા આયોજન અને અમલવારી અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકા/ગ્રામ્યવિસ્તારોમાં ચોમાસાના કારણે જાન-માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે ચોમાસાને અનુલક્ષીને જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, જિલ્લામાં તળાવો કે ડેમ વિસ્તારની આસપાસ જે ગામો આવતા હોય તો તેવા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા ઉપરાંત જિલ્લા-તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા જણાવ્યું હતું. ભૂતકાળના અનુભવોને આધારે જિલ્લામાં પુર વાવાઝોડાની ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા અંગેનું આયોજન ગોઠવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસામાં જિલ્લાના જે ગામોમાં પાણી ભરાતું હોય ત્યાં અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જઈ શકાય તે માટે વિશેષ તકેદારી લેવામાં આવે, કોઈ દુર્ઘટના ન સર્જાય તે અંગે સાવચેતીના જરૂરી પગલા લેવામાં આવે, ચોમાસાની ઋતુમાં સર્જાયેલી પરિસ્થિતિમાં શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા તેમજ શાળાની ચાવી ગામમાં રહે અને જવાબદાર વ્યક્તિનો ફોન ચાલુ રહે એ અંગે સૂચન કર્યું હતું. સાથોસાથ ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી.
આ ઉપરાંત રાહત શિબિર, હેમ રેડિયો, લાઉડ સ્પીકરની ઉપલબ્ધતા, વરસાદ માપક યંત્રો, અને તે સારી હાલતમાં છે કે નહી તેની ચકાસણી, કન્ટ્રોલ રૂમમાં ચોવીસ કલાક જવાબદાર કર્મચારીની હાજરી, જળાશયોની પાણીની સપાટીનો અહેવાલ , ડેમના દરવાજા ખોલવાની સ્થિતિમાં લેવાના પગલાં અને તકેદારી, રાહત વિતરણની કામગીરી, બચાવ કામગીરી સાધનોની ચકાસણી, રેસ્ક્યુ કીટ, ડીઝલ જનરેટરેટિંગ સેટ, સંદેશા વ્યવહારના સાધનોની ચકાસણી સહિતના આયોજન અને વ્યવસ્થાઓ કરવા સૂચના આપી બચાવ રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને કોઈ ફરિયાદ ન મળે એ પ્રકારની તૈયારીઓ કરવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : કંપારી છોડાવી દેનારી ઘટના : અમીરગઢ હાઈવે પર હીટ એન્ડ રન, યુવકનું મોત, આખી રાત વાહનો પસાર થતા મૃતદેહના ટુકડા થઈ ગયા