બનાસકાંઠા: ડીસા આદર્શ શાળામાં વિદ્યાલયની વંદનાને શિક્ષણ મંત્રીએ બિરદાવી
પાલનપુર: વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યાસંકુલમાં યોજાયેલ વંદના સત્રમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર અને સંસ્કાર મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા દ્વારા ચાલતી પ્રવૃતિઓની કરી પ્રસંશા
કાર્યક્રમની શરૂઆતમાં વંદના કરવામાં આવી હતી. આદર્શ વિદ્યાસંકુલના પ્રધાનાચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક અને ભારતમાતાની પ્રતિકૃતિ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની અભિવૃદ્ધિ થાય તેવું પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાલયની વંદનાને બિરદાવવામાં આવી હતી. તેમણે શાળા દ્વારા ચાલતી પ્રવૃતિઓની પ્રશંશા કરી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સફળ અને યશસ્વી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે સંસ્થાના ઈતિહાસને યાદ કરતાં જણાવ્યું કે આ વિદ્યાલયની સ્થાપના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અનંતરાવજી કાળે દ્વારા યુવાનોમાં રાષ્ટ્રીય તેમજ નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે માટે કરવામાં આવી હતી. વર્ષ 1961 માં માત્ર 44 વિદ્યાર્થીઓ સાથે બટાકાના વખારમાં શરૂ થયેલ વિદ્યાલયમાં આજે શિશુ મંદિરથી લઈને ધોરણ 12 ના તમામ પ્રવાહોમાં કુલ 4500 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કારની સાથે વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. તેમણે સંસ્થા દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલ નવા વિદ્યાસંકુલ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાલયની દેશહિતમાં તાતી જરૂરીઆત જણાવી, નવીન સંસ્થાને પણ શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો : ‘INDIA’ માટે યુપી-બિહાર જેવા હિન્દીભાષી રાજ્યો વિપક્ષી ગઠબંધન આકરા પડકાર સાબિત થશે, જાણો-કેવી રીતે