બનાસકાંઠા : સમગ્ર રાજયમાં ટેકાના ભાવે બનાસકાંઠામાં સૌથી વધુ બાજરીની થઇ ખરીદી
- રાજય સરકાર દ્વારા રૂ.300/-નું બોનસ
- રૂ.2800/- પ્રતિ કિવન્ટલના ભાવે જિલ્લામાં 30..54 કરોડ રૂપિયાની બાજરીની ખરીદી
પાલનપુર 2 જાન્યુઆરી 2023 : ભારત સરકાર દ્રારા 2023-24ને મીલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. મીલેટના ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તેમજ ખુલ્લા બજારમાં બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરના ભાવો નીચા જાય તો ખેડુતોને આર્થિક નુકશાન થતું અટકાવી શકાય તેમજ ખેડુતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ખરીદી ઉપર પ્રતિ કિવન્ટલ રૂા. 300/- પ્રોત્સાહક બોનસ જાહેર કરવામાં આવેલ છે.
લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24 માટે બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી પારદર્શક અને સુચારુરૂપે થાય તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન- 2023-24માં બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટે રાજયની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગરની નિમણુંક કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્રારા બાજરી, જુવાર મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો ભાવ પ્રતિ કિવ.એ અનુક્રમે રૂા.2500/-, રૂા.3180/-, રૂા.2090/- અને રૂા.2183/- નકકી કરેલ છે. કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરેલ બાજરીના ભાવ 2500 /- રૂા. ઉપરાંત રાજય સરકાર દ્વારા રૂા.300/-નું બોનસ આપી રૂા.2800/- પ્રતિ કિવન્ટલના ભાવે બાજરી ખરીદી કરવામાં આવેલ છે.
ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ.2023-24માં લઘુતમ ટેકાના ભાવે તા.31/12/2023 સુધી બનાસકાંઠા જિલ્લામાં કુલ 6113 ખેડુતોનું રજીસ્ટ્રેશન થયેલ હતું. જે પૈકી બ્લોક કરેલ અરજીઓ બાદ કરતા 4416 ખેડુતોને SMS કરી બાજરી ખરીદી કરવા માટે બોલાવવામાં આવેલ જે પૈકી 2685 ખેડુતોએ 10909.250 (મે.ટન) વેચાણ કરેલ હતું. આમ, રાજય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 30.54 કરોડ રૂપિયાની બાજરીની ખરીદી કરવામાં આવેલ છે. જેનો સીધે-સીધો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને મળેલ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ગાંધીનગરની સગીરાનું ડીસામાંથી અપહરણ કરનાર યુવક ઝડપાયો