બનાસકાંઠા : માલગઢ ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ
પાલનપુર: ડીસા નજીકના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ભાદરવા વદ ચૌદશના રોજ સામૂહિક શ્રાદ્ધ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અનેક શ્રદ્ધાળુ લોકોએ હાજરી આપી શ્રાદ્ધ તર્પણ કર્યું
દર વર્ષે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં માલગઢ ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કાર કેન્દ્ર ખાતે નિ:શુલ્ક સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાઈ-બહેનોએ સામૂહિક શ્રાદ્ધ તર્પણ ના કાર્યક્રમનો લાભ લીધો હતો. શાસ્ત્રોકત વિધી સાથે યોજાયેલ શ્રાધ્ધ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પરીજનો સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પિતૃઓનું તર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો: આજે સર્વ પિતૃ અમાવસ્યા : આ 10 સરળ ઉપાય પિતૃ દોષનો પ્રભાવ ઓછો કરશે
આ અંગે ગાયત્રી પરિવારના લક્ષ્મણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારની પ્રેરણાથી છેલ્લા ૭ વરસથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જે કોઈને પણ પોતાના પિતૃઓની તિથિ યાદ ન હોય તેવો પણ આ દિવસે પોતાના પિતૃઓની સ્મૃતિમાં શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. જેને લઇ દર વર્ષે બહોળી સંખ્યામાં લોકો શ્રાદ્ધ તર્પણ કરવા આવતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં આ લોકોએ હાજરી આપી શાસ્ત્રોકત વિધિ સાથે શ્રાદ્ધ તર્પણ કર્યું હતું. ત્યારબાદ પંચકુડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં આહુતિઓ અર્પણ કરી હતી, અને ત્યારબાદ પિતૃ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.