બનાસકાંઠા : અંબાજીમાં મહાઆરતી, શરદોત્સવ દીપોત્સવ બન્યો
- ત્રીસ હજાર માઇભક્તોએ હાથમાં દીવડા પ્રગટાવી મહાઆરતી કરી
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મહાઆરતી યોજવાનું સ્વપ્ન સેવ્યું હતું
પાલનપુર : શરદપુનમના પાવન પર્વ પ્રસંગે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. જેમાં ત્રીસ હજાર કરતાં વધુ શ્રધ્ધાળુ માઇભક્તોએ હાથમાં દીવડાઓ પ્રગટાવી માં અંબાની આરતી ઉતારી હતી. મહા આરતી બાદ માઇ ભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા.
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું. શક્તિના ઉપાસક અને આરાધક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને કરોડો લોકોના શ્રદ્ધા કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજી ખાતે શરદપુનમના ઉત્સવને યાદગાર બનાવવા દર શરદ પૂનમના દિવસે માં અંબાની મહા આરતી થાય અને દરેક માઇભક્ત એમાં સહભાગી બની એનો લાભ લઇ શકે એ સ્વપ્ન સેવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષે આસોસુદ પૂનમને શરદ પુનમથી માં અંબાના મહાઆરતી મહાપર્વનો શુભારંભ થયો છે.
આ પણ વાંચો : ચૂંટણીનો ધમધમાટ, જાણો કેમ PM મોદી વારંવાર કરી રહ્યાં છે ગુજરાત પ્રવાસ
ત્રીસ હજાર જેટલા દિવડાઓ
શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” માં અંબા ની દિવ્ય અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. જેમાં ત્રીસ હજાર કરતાં વધુ શ્રધ્ધાળુ માઇભક્તોએ માં અંબાની સામુહિક મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મહાઆરતીના ઐતિહાસિક પર્વ નિમિત્તે શરદોત્સવ દીપોત્સવ બન્યો હોય એવો અદભુત નજારો ચાચર ચોકમાં જોવા મળ્યો હતો. માં અંબાનો ચાચર ચોક એક સાથે ત્રીસ હજાર જેટલા દિવડાઓના ઝગમગાટથી દૈદીપ્યમાન થઈ ઉઠયો હતો. સમગ્ર અંબાજી પરિસરમાં ધર્મમય માહોલ પથરાયો હતો જેમાં માઇભક્તો માં અંબાની મહાઆરતીમાં તલ્લીન બન્યા હતા. અને ચાચર ચોકમાં ગરબા ઘુમવાનો આનંદ માણ્યો હતો. શ્રધ્ધાળુ ભાવિક ભક્તોએ માં અંબાને ફૂલડાંથી વધાવી ધન્યતાની અનુભૂતિ કરી હતી.
મહાઆરતી ઐતિહાસિક ક્ષણ
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શરદપુનમના પાવન પર્વ નિમિત્તે માં અંબાના ચાચર ચોકમાં મહાઆરતીના પ્રસંગને આસ્થાનું પ્રતીક ગણાવી આ ઐતિહાસિક ક્ષણે માં અંબાના આશીર્વાદ સૌ માઇભક્તોને મળે અને તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.