બનાસકાંઠા : પાલનપુરની પંચવટી સોસાયટી પાસે અસામાજિક તત્વોની લુખ્ખાગીરી


- ગેસ્ટ હાઉસમાં અનિતીધામ ચાલતું હોવાની રાવ
- સોસાયટીના રહીશ સાથે કરી મારામારી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પંચવટી સોસાયટી પાસે લુખ્ખાતત્વોનો ત્રાસ વધતો જાય છે. આ સોસાયટી પાસે આવેલ ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરમાં કુટણખાનું ચાલતું હોવાની રાવ ઉઠી છે. જ્યારે ગેસ્ટ હાઉસના લુખ્ખાતત્વોએ સોસાયટીના એક રહીશની સાથે મારામારી કરી હતી, અને વાહનની તોડફોડ કરતા રહીશોમાં ભય ફેલાયો છે. આ અંગે સોસાયટીના પ્રમુખે પોલીસને જાણ કરી છે. પાલનપુર શહેરમાં આવેલી પંચવટી સોસાયટી પાસે સર્વોત્તમ ગેસ્ટ હાઉસ આવેલું છે.
આ ગેસ્ટ હાઉસ ઉપરાંત શ્રીજી બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં પણ સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં કુટણખાનું ચાલતું હોવાથી સોસાયટીના રહીશોએ આ અસામાજિક પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો. જેને લઈને અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. જ્યારે રોડ ઉપર આડેધડ પાર્ક કરાતા વાહન પાર્કિંગ સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
જ્યારે સોસાયટીના રહીશ સાથે અસામાજિક તત્વોએ મારામારી કરતા અફરાતફરી મચી ગઈ હતી. આ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે સોસાયટીના રહીશો દ્વારા પાલનપુર શહેર પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે. શહેરમાં આવા જેટલા ગેસ્ટ હાઉસમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તેની સામે પોલીસે હવે કડક હાથે કામ લેવાની જરૂર છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના શેરપુરામાં ગૌવંશ માટે ડાયરામાં એક કરોડની નોટો વરસાવાઈ