ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ક્રિમિલિયરના દાખલા માટે લાંબી કતાર

પાલનપુર: ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં જ ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ક્રિમિલિયર સહિતના દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી ગઈ છે. જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના દાખલા એકજ વિન્ડો પરથી કાઢી આપવામાં આવતા હોવાથી કલાકો સુધી હેરાન થતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બબ્બે કલાક સુધી લાઇનમાં નંબર આવતો નથી

બે દિવસથી સવાર પડે અને ડીસાનું જન સેવા કેન્દ્ર વિદ્યાર્થીઓથી ભરાઈ જાય છે સવારથી જ વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો લાગી જાય છે, કારણ કે ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં જ વધુ અભ્યાસ માટે કોલેજોમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના દાખલાની જરૂર પડે છે જેમાં ડીસા જનસેવા કેન્દ્ર ખાતેથી શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારના વિદ્યાર્થીઓના જાતિ એસ.ટી,ડોમીસાઈલ, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલેયર, એસસી ઇંગલિશ,જાતિના,ધાર્મિક લઘુમતી, ચારિત્ર્ય અને ગ્રામ્ય વિસ્તારના પણ ઈંગ્લીશના દાખલા કાઢી આપવામાં આવે છે.

અત્યારે ડીસા જન સેવા કેન્દ્રમાં એક નાયબ મામલતદાર એક કારકૂન અને ત્રણ ઓપરેટર ફરજ બજાવે છે અને એક દિવસમાં શહેરી વિસ્તારના 150 અને ગ્રામ્ય વિસ્તારના 150 સહિત કુલ 300 જેટલા દાખલા કાઢી આપવામાં આવે છે. એક દાખલો કાઢવા માટે સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા બાદ અધિકારીની સહી, ત્યારબાદ ફોટો પડાવવો અને ડેટા એન્ટ્રી કરવા સહિતની પ્રક્રિયામાં કુલ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને બીજા દિવસે દાખલો આપવામાં આવે છે.

બેસવાની કે પંખાની કોઈપણ સુવિધાનો અભાવ

આ અંગે વાઘેલા સચિન અને ચૌધરી હીનાએ જણાવ્યું હતું કે, અમે દાખલો કઢાવવા માટે અહીં જનસેવા કેન્દ્રમાં આવ્યા છીએ પરંતુ અહીં ખૂબ જ મોટી ભીડ લાગેલી છે. બબ્બે કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ નંબર આવતો નથી અને બેસવાની કે પંખાની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે અહીં આવતા અરજદારોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે

આ અંગે જન સેવા કેન્દ્રના એટીવીટી નાયબ મામલતદાર ક્રિષ્ના ચૌધરીએ જણાવ્યું હતું કે અહીં આવતા અરજદારોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે કારણ કે શહેરી અને ગ્રામ્ય બંને ના દાખલા એક જ જગ્યાએથી નીકળે છે. તાલુકા વિકાસ અધિકારીના પણ દાખલા અહીંથી કાઢી આપવામાં આવે છે જો ગ્રામ્ય અને શહેરી વિસ્તારને અલગ કરવામાં આવે તો અહીં આવતા અરજદારોની ભીડ પણ ઓછી રહે અને પ્રજાનું પણ ફટોફટ કામ થઈ જાય.

Back to top button