બનાસકાંઠા: જિલ્લાના 12 સખી મંડળને લોનના 21.50 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા
પાલનપુર: સરકાર દ્વારા બહેનોના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ સાથે આર્થિક રીતે પગભર થાય તે માટે મોટા પાયે આર્થિક સહાય વિવિધ યોજનાઓ રૂપે મેળવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ બેન્ક સાથે સંકલન કરીને એક જ સ્થળે સ્વસહાય જૂથની મહિલાઓનો રોજગારલક્ષી પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુથી નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામ્ય કક્ષાના 12 સખી મંડળને કેશ ક્રેડીટ લોનના 21.50 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.
પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો કેશ ક્રેડીટ કેમ્પ
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા વહીવટીતંત્ર મિશન મંગલમના માધ્યમથી સખી મંડળોને પ્રોત્સાહિત કરવા તથા બહેનોને રોજગારી મેળવવા સક્ષમ બનાવી રહ્યું છે. મહિલાઓનું યોગદાન દરેક ક્ષેત્રમાં મહત્વનું રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ તથા મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ હોદ્દાઓ ઉપર પણ મહિલાઓ રહી ચૂકી છે. આઈ.એ.એસ. અને આઈ.એફ.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી મહિલાઓ સેવાઓ આપી રહી છે. સાંસદ એ જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મહિલાઓને ૩૩% અનામત આપીને ખૂબ મોટું કાર્ય કર્યું છે. રાજ્યમાં આજે આપણો જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે. જેમાં મહિલાઓ પણ ખૂબ શિક્ષિત થઈ છે. આજના સમયમાં સ્વસહાય જૂથોએ મહિલાઓ માટે ખૂબ મોટી રોજગારીની તકો ઊભી કરી છે. સાંસદ એ વિવિધ બેન્કને મહિલાઓને વધુમાં વધુ મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો :રિષભ પંતનો અકસ્માત થતા ક્રિકેટ જગતથી વહેતી થઈ પ્રાર્થનાઓ
કેશ ક્રેડિટ કેમ્પમાં ઉપસ્થિત અતિથિ વિશેષ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનો અભિગમ જન-જન સુધી તથા સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચવાનો છે. આ યોજનાનો લાભ મહત્તમ મહિલાઓને મળે તથા વધુમાં વધુ સખી મંડળો બની મિશન મંગલમ યોજના સરસ રીતે ચાલે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.