બનાસકાંઠા: ડીસામાં બે ગાડીમાં દારૂ સહિત 10.55 લાખનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર: ડીસા પોલીસે એક જ અઠવાડિયામાં બે અલગ અલગ જગ્યાએથી બે ગાડી અને દારૂના જથ્થા સહિત કુલ 10.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલું છે.
ત્રણ આરોપીઓની અટકાયત
ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂ સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. તો સામે પોલીસ પણ સતર્ક રહી ગુનાઓ બનતા અટકાવવા દિવસ – રાત પ્રયાસો કરે છે. જેમાં જિલ્લા એલસીબીની ટીમ પાંચ દિવસ અગાઉ કંસારી રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે દારૂ ભરેલું એક પિકઅપ જીપડાલુ ડીસા તરફ આવી રહ્યું હોવાની માહિતી મળતાજ આખોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે ધાનેરા તરફથી આવી રેહેલી એક શંકાસ્પદ જીપડાલાને રોકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. જેથી એલસીબીની ટીમે પીછો કર્યો, તે સમયે બનાસપુલ પાસે ટ્રાફિકજામમાં ફસાઈ જતા ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી એલસીબીની ટીમે જીપડાલુ અને દારૂ સહિત 4.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરાર શખસોની શોધખોળ ચાલુ
આ સિવાય ડીસા શહેર ઉત્તર પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક શંકાસ્પદ બ્રેઝા ગાડી આવી રહી હોવાનું જણાવતા પોલીસે તેને રોકાવી હતી. તલાસી લેતા ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે રાજસ્થાનના રહેવાસી પીરમહંમદ મુસલમાન અને ઘનશ્યામ રબારી તેમજ એક શખ્સ વાવનો રહેવાસી દિનેશ રબારી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ ડીસા પંથકમાંથી પોલીસે બે અલગ અલગ જગ્યાએથી બે ગાડી અને દારૂના જથ્થા સહિત કુલ 10.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ત્રણ આરોપીઓની અટકાયત કરી અને ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.
આ પણ વાંચો : ઈન્ડિયન મુજાહિદ્દીનના ચાર આતંકવાદીઓને 10-10 વર્ષની સજા, દિલ્હીની કોર્ટે આપ્યો ચુકાદો