બનાસકાંઠા: ડીસાના ભડથથી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપાઇ, દારૂ સહિત 2.98 લાખનો મુદ્દામાલ જપ્ત


પાલનપુર: ડીસા તાલુકાના ભડથ ગામેથી સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. જેમાં પોલીસે સ્કોર્પિયો ગાડી અને દારૂ સહિત કુલ 2.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ભડથ ગામમાં રહેતો એક વ્યક્તિ દારૂની હેરાફેરી કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમી મુજબ ભડથ ગામે રહેતા ગણપતસિંહ વાઘેલાના ઘરે પહોંચી તપાસ કરી હતી. જ્યાં ઘર આગળ પડેલી શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીની તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાનું જણાયું હતું.
જેથી પોલીસે તરત જ ગણપતસિંહ વાઘેલાની અટકાયત કરી હતી. જ્યારે ગાડી અને દારૂ સહિત 2.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી સામે ડીસા તાલુકા પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે. ઝડપાયેલ આરોપી ક્યાંથી દારૂ લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ ધરી છે.