ઉત્તર ગુજરાતગુજરાત

Video : પાલનપુરમાં ” ચાલો મતદાન કરવા જઈએ ” સોંગ પર ડાન્સ કરી યુવાનોએ કરી મતદાનની અપીલ

Text To Speech
  • શકિત વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડમી દ્વારા મતદાર જાગૃતિ માટે ફ્લેશ મોબ કાર્યક્રમ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત ગામેગામ અને શહેરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે પાલનપુર નવા બસ સ્ટેશન અને કલેકટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીઓએ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતાં ગાતાં લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાર જાગૃતિના આ નવતર અભિગમે મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.

લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે આગામી સાતમી મે ના રોજ જિલ્લામાં મતદાન યોજાનાર છે. લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની સહ ભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા વહિવટીતંત્ર મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યું છે. સ્વીપ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પાલનપુરના જાહેર સ્થળો ઉપર ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ફ્લેશ મોબ કાર્યક્રમ અંતર્ગત શ્રી શકિત વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડમી દ્વારા તૈયાર કરાયેલા ગીત પર યુવક યુવતીઓએ જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ માટે ડાન્સ કર્યો હતો. અચાનક જ જાહેર સ્થળો પર યુવક યુવતીઓને મતદાન જાગૃતિ માટે ડાન્સ કરતા જોઈ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકોએ પણ યુવક યુવતીઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો હતો અને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

સાતમી મે ના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આજ પ્રકારના ફ્લેશ મોબ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે એ માટેની આ આગવી પહેલ છે.

આ પણ વાંચો : 1.09 કરોડ નોકરીઓની ઑફર સામે સરકારી પોર્ટલ ઉપર 87.27 લાખ અરજી આવી

Back to top button