બનાસકાંઠા: ડીસામાં મોડી સાંજે વરસાદી ઝાપટું
પાલનપુર: ડીસામાં આજે ફરી એકવાર લાંબા વિરામ બાદ મોડી સાંજે વરસાદી જાપટું પડયું હતું. છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી હતી.
ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી
ડીસા પંથકમાં આજે મોડી સાંજે વરસાદ વરસતા ચોમાસાના વિધિવત શ્રીગણેશ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારબાદ આજે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે જરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ફરીથી પાણી-પાણી થઈ ગયા હતા.
મોડી સાંજે વરસાદી જાપટું ખાબકતા ચો તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી ઉલ્લેખનીય છે કે દસ દિવસ અગાઉ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને હજુ પણ કેટલાય ગામડાઓમાં પાણી સુકાયુ નથી. ત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થતા લોકો ચિંતામાં મુકાયા હતા.
આ પણ વાંચો :IIT Bombayનો વિશ્વની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સમાવેશ