બનાસકાંઠા : ડીસાની રસાણા કોલેજમાં સુવિધાઓનો અભાવ, ત્રાહિમામ પોકારી ઊઠેલા વિદ્યાર્થીઓના કોલેજ આગળ ધરણાથી હંગામો
- વારંવાર રજુઆત બાદ પણ કોઈજ ઉકેલ ન આવતા 300 છાત્રોમાં રોષ
પાલનપુર : બનાસકાંઠામાં ડીસાના રસાણા ગામે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં ટ્રાન્સપોર્ટેશન અને પાણી સહિત પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજુઆત બાદ પણ કોઈજ ઉકેલ ન આવતા આજે 300 થી પણ વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં ધરણા પર બેસી જતા ભારે હંગામો સર્જાયો હતો.
ડીસાના રસાણા ગામ પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં 300 થી પણ વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના અભાવે છાત્રો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સિવાય સંચાલક મંડળ દ્વારા છાત્રો પાસેથી ટ્રાન્સપોર્ટેશન ની ફી એડવાન્સમાં લેવામાં આવે છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જે મામલે વિદ્યાર્થીઓએ વારંવાર સંચાલક મંડળની રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઈ જ ઉકેલ ન આવતા કે વિદ્યાર્થીઓની વાત ને કોઈ ધ્યાન ના આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.
તેમજ વિદ્યાર્થીઓના સમર્થન માં આજે એનેસયુઆઇ ના કાર્યકરો પણ કોલેજમાં પહોંચ્યા હતા. ચાર દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓએ સંચાલક મંડળની રજૂઆત કરી હતી. જોકે ત્યારબાદ એક પણ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવ્યા નથી. તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે.તો સંચાલક મંડળની મનમાની અને સુવિધાઓના અભાવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા વિદ્યાર્થીઓએ આજે કોલેજ આગળ ધરણા પર બેસી ગયા હતા અને સંચાલક મંડળ વિરુદ્ધ સૂત્રોચાર કરી ભારે હંગામા મચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ટ્રસ્ટીઓ પણ ભારત નર્સિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆતથી કોલેજના ટ્રસ્ટીગણ અને વિદ્યાર્થીઓ આમને – સામને આવી જતા કલાકો સુધી રકઝક ચાલી હતી. કોલેજના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે કલાકો સુધીની ચર્ચા બાદ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને એક- બે દિવસમાં સુવિધા આપવાની બાહેધરી આપતા વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા. તેમજ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના વિવિધ મુદ્દાઓને લઈ કોલેજના સંચાલક મંડળને લેખિત આવેદનઆપી રજુઆત કરી હતી. સંચાલક મંડળે વિધાર્થીઓની વાત સાંભળી તેના નિવારણ માટે બાહેધરી આપતા હાલ તો વિદ્યાર્થીઓએ આંદોલન પૂર્ણ કર્યું છે, પરંતુ જો વિદ્યાર્થીઓની માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન થશે તેવી વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી.’
આ બાબતે કોલેજના વિદ્યાર્થીઓ અને માનસી રાઠોડે જણાવ્યું હતું કે તેમની કોલેજમાં પાણી અને ટ્રાન્સપોર્ટેશન સહિતની કેટલી સુવિધાઓ મળતી નથી જે માટે વિદ્યાર્થીઓએ ચાર દિવસ અગાઉ રજૂઆત કરી હતી પરંતુ અમને સુવિધાઓ પૂરી પાડવાને બદલે ચાર દિવસથી અમને ભણવવા માટે એક પણ અધ્યાપક આવતા નથી અમારા પરિવારજનો પેટે પાટા બાંધી ,મોટી ફી ચૂકવી અમને અહીં ભણવા માટે મોકલે છે પરંતુ કોલેજના શિક્ષકો મન માની કરે છે જેથી અમારા અભ્યાસ પર માઠી અસર પડી રહી છે
આ બાબતે કોલેજના ટ્રસ્ટી રમેશ પટેલે જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓ જે રજૂઆત કરી તે સામાન્ય છે અને અમે એક બે દિવસમાં તેનું નિરાકરણ લાવી દઈશું. જ્યારે વિદ્યાર્થીઓની રજૂઆત કરતા કેટલાક શિક્ષકો નારાજ છે તે નારાજગી પણ દૂર કરાવી દઈશું.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં દીકરાએ તરછોડેલા વૃદ્ધ મા-બાપ પોતાનો પ્રશ્ન સંભળાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા